રાજકોટ
News of Wednesday, 7th April 2021

રાજકોટ શહેર-જીલ્લામાં મેટરનીટી-નર્સીગ હોમમાં કોરોના પેશન્ટ માટે રપ૦૦થી વધુ બેડ વધશેઃ જીલ્લામાં ૧૬૦૦ બેડનું આયોજન

કલેકટર તથા રાહુલ ગુપ્તાએ વિવિધ ડોકટર્સ એસો. સાથે મીટીંગ યોજીઃ જીલ્લામાં ડીડીઓ દ્વારા કાર્યવાહી : રાજકોટમાં કેટલા બેડ વધશે તેનો આંકડો સાંજે જાહેર થશેઃ ગેલેકસી હોટલમાં ર દિ'માં કોવીડ સેન્ટર : આજે વધુ ૧ર૦૦ ઇન્જેકશન આવ્યાઃ કલેકટર કચેરીમાં મુલાકાતીઓને સંપૂર્ણ પ્રવેશબંધી જાહેર કરાઇ : સીવીલ હોસ્પીટલમાં સગર્ભા મહિલા સાથે ભારે તોછડુ વર્તનઃ કલેકટરને ફરીયાદો

રાજકોટ તા. ૭ :.. રાજકોટના એડીશનલ કલેકટરશ્રી પરિમલ પંડયાએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારે ગઇકાલે મેટરનીટી-નર્સીંગ હોમમાં કોરોના પેશન્ટ દાખલ કરવા અંગે સારવાર અંગે મંજૂરી આપતા કલેકટરશ્રી અને નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તાએ આઇઆઇએમ-ફીઝીશ્યન-સીવીલ સર્જન એસો. તથા ગાયનેક એસો. સાથે શહેર-જીલ્લા અંગે તાબડતોબ મીટીંગ કરી બેડો અંગે મંત્રણા કરી હતી, આ મીટીંગ સફળ રહી છે.

તેમણે જણાવેલ કે જીલ્લામાં મેટરનીટી - નર્સીંગ હોમ અંગે ડીડીઓ શ્રી રાણાવસીયા પોતે ડાયરેકટ સુપરવીઝન કરશે, રાજકોટ શહેરને બાદ કરતા જીલ્લામાં લગભગ આવા ૧૬૦૦ બેડનો વધારો થશે. તેમજ રાજકોટ શહેર અંગે ડોકટરો દ્વારા નકકી કરી શહેર માટે બેડની સંખ્યા સાંજે જાહેર થઇ શકે છે. અત્રે એ નોંધનીય છે કે રાજકોટમાં અનેક મેટરનીટી નર્સીંગ હોમ આવેલા છે તે જોતા ૯૦૦ જેવા બેડની સુવિધા મળી શકે છે, ટૂંકમાં રપ૦૦ બેડની સવલત ર થી ૩ દિ' માં વધી જશે.

દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ ઉમેર્યુ હતું કે, સૂર્યકાંત હોટલમાં સેલસ હોસ્પીટલ દ્વારા ર૯ બેડની હોસ્પીટલ શરૂ કરી દેવાઇ છે, તો ગેલેકસી હોટલમાં દેવ હોસ્પીટલ શરૂ કરવા માંગે છે, જયાં મંજૂરી મળ્યે ૩૪ બેડની સુવિધા વધશે.

દરમિયાન આજે વધુ ૧ર૦૦ રેમેડેસિવીયર ઇન્જેકશનનો જથ્થો ફુડ એન્ડ ડ્રગ ખાતા પાસે આવતા અધિકારીઓએ વિવિધ મેડીકલ સ્ટોર્સ, હોસ્પીટલને ફાળવી દેવાયા છે.

કોરોના ઘાતક બનતા કલેકટર કચેરીમાં આજથી મુલાકાતીઓને સંપૂર્ણ પ્રવેશબંધી કરી દેવાતા અનેક અરજદારો અને સિકયુરીટીને ઘર્ષણ થયું છે.

દરમિયાન સીવીલ હોસ્પીટલમાં એક સગર્ભા મહિલા સાથે ગઇકાલે ભારે તોછડાઇ પૂર્વકનું વર્તન કરાતા અને તમને અત્યારે સારૂ છે તમે ઘરે ચાલ્યા જાવ, તબીયત બગડે ત્યારે આવજો તેવું કહેતા ભારે દેકારો મચી ગયો છે.  આ બાબતે કલેકટર સુધી ફરીયાદ પહોંચી છે, સીવીલમાં કલેકટરના એક ડે. કલેકટર શ્રી ધાધલ પણ ખાસ સ્પે. ફરજ બજાવી રહ્યા છે, તેમની પાસે પણ આ બાબત પહોંચી હતી.

(4:15 pm IST)