રાજકોટ
News of Wednesday, 7th April 2021

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે

મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ૮ મહાપાલીકાઓ માટે ૩૧૧ કરોડની ગ્રાન્ટની ચુકવણી

ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ બને તે ભાજપ સરકારનું લક્ષ્યઃ ધનસુખ ભંડેરી

રાજકોટ,તા.૧૭: ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહયો છે અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યા છે ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૮ મહાનગરપાલિકા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજનાના કામો માટે રૂ.૩૧૧ કરોડની ફાળવણી કરવામાં આવેલ.

આ અંતર્ગત વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને સમયાંતરે ગ્રાન્ટની ફાળવણી કરી લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ થાય અને નાગરીકોના આરોગ્ય, પરિવહન, જાહેર સફાઈ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય અને શહેરોમાં નવા માર્ગોનું નિર્માણ, ટ્રાફીક સમસ્યાને પહોંચી વળવા રસ્તાઓ પહોળા કરવા, ફૂટપાથ સહીત નવા માર્ગો બનાવવા અને સડકો નમુનારૂપ બને તેમજ આંતરમાળખાકીય સુવિધાઓને વધુ વેગ આપવા માટે રાજયની ૮ મહાનગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત રૂ.૩૧૧ કરોડની ગ્રાન્ટની ચૂકવણી કરવામાં આવી હતી. જેમાં ૮ મહાનગરપાલિકાઓ જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ.૧૧૫.૨૫૮૦ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ.૯૪.૦૮૧૧ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને  રૂ.૩૫.૨૬૬૦ કરોડ, રાજકોટ મહાનરપાલિકાને રૂ.૨૭.૮૯૮૫ કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ.૧૩.૦૨૮૧ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ.૧૨.૩૪૩૫ કરોડ, જુનાગઢ મહાનગરપાલિકાને રૂ.૦૬.૪૭૦૮ કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.૦૬.૬૫૪૦ કરોડ, સહીત કુલ રૂ.૩૧૧ કરોડની ચુકવણી કરવામાં આવી હતી.

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના માધ્યમથી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજનાં ગ્રાન્ટ ફાળવી રાજય સરકારે સ્વર્ણીમ સિધ્ધીઓ હાંસલ કરવાનો પ્રયાસ કરેલ છે. ત્યારે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસકામો ઝડપથી પુર્ણ થાય તેની જવાબદારી જનપ્રતિનિધિ તરીકે આપણી સૌની બને છે. ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સમૃધ્ધ બનાવી ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવવાની ભાજપા સરકારની નેમ હોવાનું શ્રી ભંડેરી (મો.૯૯૦૯૦ ૩૧૩૧૧)એ યાદીના અંતમાં જણાવાયું છે.

(12:48 pm IST)