રાજકોટ
News of Tuesday, 23rd February 2021

સોનીબજારના લાખોના ઘરેણાની ઠગાઈના ગુનામાં 'ચાર્જશીટ' બાદ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા. ૨૩ :. રાજકોટના સોની બજારના ચકચારી લાખો રૂપિયાના સોનાના ઘરેણાની છેતરપીંડી અને વિશ્વાસઘાત ગુનામાં આરોપીની ચાર્જશીટ બાદ વધુ એક વખત રેગ્યુલર જામીન અરજીને સેસન્સ અદાલતે રદ કરી હતી.

આ કામે બનાવની ટૂંકી વિગત જોવામાં આવે તો ફરીયાદી મુજીબુલ ઉર્ફે મનજીત સુફુરઅલી મલીકે ભકિતનગર પો.સ્ટે.માં તા. ૭-૯-૨૦૧૯ના આરોપી કિરીટભાઈ પ્રભુદાસભાઈ ફીચડીયા વિરૂદ્ધ પોતાની સાથે પૂર્વયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી આશરે ૧૩ લાખ રૂપિયાના સોનાના ઘરેણાની ઉચાપત કરી વિશ્વાસઘાત કરવા અંગેની ફરીયાદ આપેલી જેથી પોલીસે આરોપી વિરૂદ્ધ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ તથા ૧૨૦ (બી) અન્વયે ગુન્હો દાખલ કરેલ અને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા આરોપીના રીમાન્ડ મંજુર થયેલા. પરંતુ આક્ષેપીત ૪૧૫ ગ્રામ આશરે ૧૩ લાખનું સોનુ ઓળવી જવાની જે ફરીયાદ હતી તેમાથી કાંઈ રીકવર થઈ શકેલ નહીં. રીમાન્ડના અંતે પોલીસે આરોપીને કોર્ટમાં ફરીથી રજુ કરતા આરોપીએ જામીન ઉપર છૂટવા અરજી કરતા મેજી. શ્રી એન.આર. વાઘવાણીએ આરોપીની અરજી નામંજુર કરેલ અને આરોપીને જેલમાં મોકલી આપેલ હતો.

જેથી જેલમાં રહેલ આરોપીએ રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં પોતાના વકીલ મારફત જામીન ઉપર છૂટવાની અરજી કરેલ અને ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ જામીન ઉપર છોડવા વિનંતી કરેલ. જેની સાથે સરકારી વકીલશ્રીએ વિસ્તૃત મૌખીક રજૂઆત કરેલ તેમજ મૂળ ફરીયાદીના વકીલશ્રીએ વિસ્તૃત લેખીત વાંધાઓ રજુ કરેલ અને આરોપીઓ પુરાવા સાથે ચેડા કરવાની શકયતા તથા નાસી ભાગી જવાની શકયતા તથા ગુન્હાની ગંભીરતા વગેરે ધ્યાને લઈ આરોપીની જામીન અરજી નામંજુર કરવા વિનંતી કરેલ હતી જે હકીકતને ધ્યાને લઈને સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી હતી.

આ કામે સરકાર પક્ષે એ.પી.પી. શ્રી મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા. જ્યારે મુળ ફરીયાદી વતી એડવોકેટ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, ભરત સોમાણી, હુસેન હેરંજા રોકાયા હતા.

(2:40 pm IST)