રાજકોટ
News of Monday, 22nd February 2021

કાલે મત ગણતરી કેન્દ્રો પર જામર લગાડવા કોંગ્રેસની રજૂઆત

ચૂંટણીમાં અધિકારીઓએ કાર્યકરોને દબાવવાની કોશિષ કરીઃ ઈ.વી.એમ. પણ શંકાસ્પદઃ કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદીની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવાયું

ચૂંટણીમાં ઈવીએમમા ગરબડ સહિતની બાબતોએ આક્ષેપો સાથે શહેર કોંગ્રેસના આગેવાનોએ બપોરે કલેકટરને આવેદન પાઠવ્યુ હતુ તે વખતની તસ્વીરમાં કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, પ્રદેશમંત્રી મહેશ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ વગેરે દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૭)

રાજકોટ, તા. ૨૨ :. ગઈકાલે ચૂંટણી દરમિયાન ઈવીએમમાં ગરબડો તથા અધિકારીઓની વર્તણુંક બાબતે અને કાલે તમામ ૬ મત ગણતરી કેન્દ્રો પર જામર લગાડવા સહિતની બાબતોએ આજે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદીની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.

આ આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે ઈ.વી.એમ.ની વિશ્વસનીયતા ઉપર સવાલો ઉઠાવેલા છે કે અને ભાજપ પક્ષ સિવાયના પ્રજા અને ઉમેદવારોને ઈવીએમ ઉપર કોઈ ભરોસો રહ્યો નથી તેમજ રાજકોટ પોલીસ અને ચૂંટણી તંત્ર જે રીતે છેલ્લા બે દિવસથી ભાજપના આગેવાનો અને નેતાઓના સૂચનો મુજબ વિરોધ પક્ષના ઉમેદવારો અને કાર્યકરોને દબાવવાની કોશિષો કરી હતી અને ગઈકાલે ચૂંટણીમાં ઘણા પોલીંગ ઓફિસરો ભાજપના કાર્યકર તરીકે વર્તી રહ્યા હતા તેથી કોઈપણ જાતનો ચૂંટણી વિભાગ ઉપર કેવી રીતે ભરોસો કરી શકાય ? ત્યારે ફરજનિષ્ઠ અધિકારીની જવાબદારી રહે છે કે બંધારણ તથા પ્રજામતને વફાદાર રહેવુ..

આવેદનમાં ખાસ જણાવાયુ હતુ કે અમારી પાસે જે માહિતી અને પુરાવાઓ આવી રહ્યા છે તે મુજબના ઈવીએમના સ્ટ્રોંગ રૂમમાં અનેક પ્રકારના સંદેહાસ્પદ વાઈફાઈ નેટવર્ક સક્રિય હાલતના જોવા મળ્યા છે તેથી મત ગણતરીના ૬ સ્થળો ઉપર તાત્કાલીક જામર લગાડવા અને જ્યાં સુધી મત ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી જામર ચાલુ રાખવા કાર્યવાહી કરવા માંગ છે.

આ રજૂઆતમાં મહેશભાઈ રાજપૂત, ઈન્દ્રનીલભાઈ રાજગુરૂ, ગાયત્રીબા વાઘેલા, ડો. હેમાંગભાઈ વસાવડા, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી વગેરે જોડાયા હતા.

(4:41 pm IST)