રાજકોટ
News of Monday, 22nd February 2021

રાજકોટમાં ફાયર સેફટી ઓફિસર ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ

મ્યુ.કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુકત ઉપક્રમે આયોજન : રાજકોટમાં ઘણા ફાયર સેફટી ઓફિસરની જરૂર છે : ઉદિત અગ્રવાલ : ૨૨ તાલીમાર્થીઓની પસંદગી

રાજકોટ,તા. ૨૨: રાજય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે આજે તા. ૨૨ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે ફાયર સેફ્ટી ઓફિસર અંગેની ટ્રેનિંગ ની શરૂઆત મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં અને ગુજરાતમાં પ્રથમવાર ચાર મહાનગરો જેમાં રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં પ્રથમ તબક્કાની ટ્રેનિંગ  શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં મોરબી રોડ ઓવરબ્રીજ પાસે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે યોજાયેલા આજથી ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ અને શ્રી સી.કે.નંદાણી, ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર, સિટી એન્જી.શ્રી વાય.કે.ગૌસ્વામી, નાયબ ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા, આસી. મેનેજરશ્રી વત્સલ પટેલ તેમજ ફાયર શાખાની ટીમ ઉપરાંત અન્ય સંસ્થામાંથી આવેલા માસ્તર ટ્રેઇનર નીરજ દુબે (ડેપ્યુટી જનરલ મેનેજર ઓફ ફાયર એનર્જી, જામનગર), વિનય ચોટાઈ (સિની. ઓફિસર ઓફ ગુજરાત ગેસ લીમીટેડ),  વિવેક બુચક (જામનગર મ્યુનિ. કોર્પોરેશનના એકસ. ફાયર ઓફિસર) અને  આર.કે. મહેશ્વરી (રાજકોટ મહાનગરપાલિકાના એકસ. ફાયર ઓફિસર) તેમજ ખાનગી ક્ષેત્રમાંથી ટ્રેનિંગ લેવા આવેલા બી.ઈ. મિકેનિકલ અને ઈલેકટ્રીકલ ડીગ્રી ધરાવતા ૨૨ ફાયર સેફ્ટી ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં તાલીમાર્થીઓને થીયરીકલ અને પ્રેકિટકલ એમ બંને પ્રકારની તાલીમ આપવામાં આવશે. શહેરમાં રાખવામાં આવેલ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરાવવો, આગ લાગે ત્યારે તેમાંથી કેવી રીતે બચવું તે અંગેનું માર્ગદર્શન ફાયર સેફ્ટી ઓફિસરોને આપવામાં આવશે. રાજકોટ શહેરમાં ૧૦ હજારથી વધુ બિલ્ડીંગ છે ત્યારે ફાયર સેફ્ટીનું મહત્વ ખુબ જ વધી જાય છે. ફાયર સેફ્ટી એ માત્ર તંત્રની જ નહીં પરંતુ એક સામાજિક જવાબદારી પણ છે. ટેમ્પરરી ફાયર એન.ઓ.સી. આપવામાં આવતું હાય છે, જે બાંધકામ સાઈટની કામગીરી ચાલુ હોય તેને ટેમ્પરરી એન.ઓ.સી.આપવામાં આવે છે જયારે બાંધકામ પૂર્ણ થયે તેને ફાઈનલ એન.ઓ.સી. આપવામાં આવે છે અને આ એન.ઓ.સી. સમયાંતરે રીન્યુ પણ કરવાનું હોય છે.

રાજકોટ એ સૌરાષ્ટ્રનું રિજિયોનલ સેન્ટર છે, શહેરમાં ઘણા ફાયર સેફ્ટી ઓફિસરોની જરૂર છે, ફાયર સેફ્ટી ઓફિસરની કામગીરી એ માનવતાની સેવાનું કામ છે. આગ સામે ઝઝૂમીને ફાયર ઓફિસરો લોકોની સેવા કરે છે. આજથી શરૂ થતી આ ટ્રેનિંગમાં તમામ ફાયર સેફ્ટી ઓફિસરો માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવતી ટ્રેનિંગને સંપૂર્ણપણે ગંભીરતાથી સમજે અને તાલીમમાં તો ગુરુ પાસેથી મહતમ વિદ્યા નીચોવી લ્યે તે શ્રેષ્ઠ શિષ્ય કહેવાય, તેમ પણ મ્યુનિ. કમિશનરશ્રીએ કહ્યું હતું.

ચીફ ફાયર સેફ્ટી ઓફિસરશ્રી ખેરએ સંપૂર્ણ પ્રોગ્રામની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ ફાયર સેફ્ટી ઓફિસરની તાલીમ સવારે ૧૦ થી ૬ વાગ્યા સુધી અને ૨૪ દિવસની રહેશે. આ ટ્રેનિંગમાં થીયરી, પ્રેકિટકલ, સાઈટ વિઝીટ રહેશે. સંપૂર્ણ કવોલીફાય થયેલા ૨૨ તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવી છે જેની ટ્રેનિંગ આજથી શરૂ કરવામાં આવી છે.

(3:56 pm IST)