રાજકોટ
News of Monday, 22nd February 2021

પાણકો માર્યાની શંકા કરી બગીચામાં રમતાં ૧૬ વર્ષના શ્યામલ પર હુમલો : બેફામ ધોલધપાટ

કોઠારીયા રોડ હુડકો બસ સ્ટેશન પાછળના ભાગે રવિવારે સાંજે બનાવ : ત્રણ અજાણ્યા શખ્સો તૂટી પડ્યાઃ હાથના પંજામાં છરીથી ગંભીર ઇજાઃ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ પર રામનગર-૧માં રહેતાં અને ધોરણ-૧૦માં ભણતા શ્યામલ મુકેશભાઇ સરવૈયા (કુંભાર) (ઉ.વ.૧૬) પર તે રવિવારે સાંજે હુડકો બસ સ્ટેશન પાછળ હરિઓમ સ્કુલ નજીક બગીચામાં બીજા છોકરાઓ સાથે રમતો હતો ત્યારે કોઇ અજાણ્યા શખ્સો પર કયાંકથી પાણકાનો ઘા આવતાં શ્યામલે પાણો માર્યાની શંકા કરી તેને ત્રણ જણાએ ઢીકાપાટુનો બેફામ માર મારી તેમજ છરીથી હુમલો કરતાં આ ટેણીયાએ હાથ આડો નાંખતા પંજાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો છે.

શ્યામલને સાંજે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ એસ. એન. જાડેજાએ શ્યામલના પિતા મુકેશભાઇ હીરાભાઇ સરવૈયા (ઉ.૪૪)ની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. મુકેશભાઇ હીરા ઘરસવાનું કામ કરે છે. તેણે કહ્યું હતું કે મારો દિકરો શ્યામલ સાંજે બીજા છોકરાઓ સાથે બગીચામાં રમવા ગયો હતો.

એ વખતે ત્યાં અજાણ્યા શખ્સો બેઠા હોઇ તેના પર કયાંકથી પાણાનો ઘા આવતાં શ્યામલે પાણો માર્યાનું સમજી અજાણ્યા શખ્સો મારવા દોડતાં બીજા છોકરા ભાગી ગયા હતાં અને શ્યામલને પકડી લઇ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. છરીનો ઘા થતાં તેણે ડાબો હાથ આડો રાખતાં પંજામાં આંગળીઓમાં ગંભીર ઇજા થઇ હતી. પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. હાથમાં ઓપરેશન માટે શ્યામલને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

રૂખડીયાપરામાં મનિષાબેનને ત્રણ શખ્સે માર માર્યો

રૂખડીયાપરામાં જેલ પાછળ રહેતી મનિષાબેન ભરતસિંહ રાણા (ઉ.૩૦)ને સાંજે ઘર પાસે રાજુ, વલો અને રિયાઝે માર મારી છરીથી ઇજા કરતાં સારવાર માટે દાખલ થતાં પોલીસને જાણ કરાઇ હતી. 

(2:51 pm IST)