રાજકોટ
News of Monday, 22nd February 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનામુક્ત થઈ રાજકોટમાં કર્યું મતદાન સ્વસ્થ આરોગ્ય માટે શુભકામના પ્રાર્થના કરનાર શુભેચ્છકો- નાગરિકોનો આભાર માનતા મુખ્યમંત્રી

રાજકોટ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો RTPCR કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા કોરોનામુક્ત થયેલા મુખ્યમંત્રીએ આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી સૌ નાગરિકોને મતદાન કરવા અને લોકશાહીનો ધર્મ બજાવવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં  વોર્ડ નં ૧૦ના મતદાર તરીકે રાજકોટના રૈયા રોડ પર આવેલા અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતેના મતદાન મથક ખાતે તેમના ધર્મ પત્ની શ્રીમતિ અંજલીબેન રૂપાણી સાથે મતદાન કર્યું હતું.
મતદાન અંગે મીડિયાકર્મીઓને પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકશાહીમાં મતદાન એક પવિત્ર ફરજ છે. મતદાન કરી આપણે લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ. દરેક લોકોએ મતદાન કરવું જોઈએ તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનુરોધ કર્યો હતો.
ગુજરાતની શાંતિપ્રિય પ્રતિષ્ઠા અને પ્રણાલી મુજબ ગુજરાતના મહાનગરોમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે તે અંગે આનંદની લાગણી પણ તેઓએ વ્યક્ત કરી હતી.

  પોતાના સ્વસ્થ આરોગ્ય માટે ગુજરાતના નાગરિકો - શુભેચ્છકો ,સંતો મહંતો, સંસ્થાઓ અને સમગ્ર ગુજરાતવાસીઓએ કરેલી પ્રાર્થના અને શુભકામના  બદલ સૌનો આભાર માન્યો હતો. ગુજરાતની જનતાની શુભકામનાઓ અને પ્રાર્થનાઓથી ખૂબ ઝડપથી હું કોરોના મુક્ત થયો છું તેમ જણાાવ્યું હતુ.

 રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સંક્રમિત લોકોની સારવાર માટે રાજ્યવ્યાપી ખૂબ જ શ્રેષ્ઠ સારવાર સરકારી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવી કહ્યું હતું કે,  પોતે પણ સરકારી હોસ્પિટલમાં જ સારવાર મેળવી કોરોના મુક્ત બન્યા છે. મુખ્યમંત્રીએ કોરાનામાં ઝડપી સારુ સ્વાસ્થય પ્રાપ્ત કરવા  લોકોને  ઝડપી  નિદાન અને ત્વરીત સારવારથી કરાવવા  આ તકે અનુરોધ કર્યો હતો.

(7:32 pm IST)