રાજકોટ
News of Monday, 22nd February 2021

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અંદાજિત સરેરાશ ૫૦.૭૫ ટકા મતદાન નોંઘાયું

મતદાન પ્રક્રિયા દરમ્યાન ૨૨ બેલેટ યુનિટ અને ૪ કંટ્રોલ યુનિટમાં તકનિકી ખામીઓ આવતા તત્કાલ બદલ્યા

રાજકોટ :આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત યોજાયેલી મતદાન પ્રક્રિયામાં અંદાજિત સરેરાશ કુલ ૫૦.૭૫ ટકા મતદાન નોંધાયું છે.
આજના મતદાનના દિવસે ૩,૦૯,૫૬૦ પુરૂષો મતદારો અને ૨,૪૫,૫૯૯ સ્ત્રી મતદારો મળી કુલ ૫,૫૫,૧૫૯ મતદાતાઓએ મતદાન કર્યું હતું, જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં-૧૫ માં ૫૮.૧૮ ટકા અને અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં-૧ માં ૪૫.૧૬ ટકા નોંધાયું છે, તેમ શહેર ચૂંટણી અધિકારી અને કલેકટરની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજકોટમાં સાંજના છ વાગ્યે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં માત્ર ૨૨ બેલેટ યુનિટ અને ૦૪ કંટ્રોલ યુનિટમાં તકનિકી ખામીઓ આવી હતી. અગાઉના પૂર્વ આયોજન મુજબ તત્કાલ તેને બદલાવી મતદાનની પ્રક્રિયા સુયોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

(9:06 pm IST)