રાજકોટ
News of Tuesday, 30th June 2020

જામનગર હાઇવેનાં સોંઢિયા પુલને 'થિગડા' મારવાનું શરૂ

ટેકનીકલી દ્રષ્ટીએ આ પુલની વયમર્યાદા પુર્ણ થઇ ગઇ છેઃ હવે નવા બ્રીજનું પ્લાનીંગ થઇ રહ્યઃ નવો બ્રીજ ઉંચો અને પહોળો બનાવવાનું આયોજનઃ હાલ તુરંત રીપેરીંગ કરી ગાડુ ગબડાવાશે

રાજકોટ તા.૩૦ :.. શહેરમાંથી  પસાર થતા જામનગર હાઇવેપારનાં સાંઢિયા પુલની દિવાલો જર્જરીત થતાં પુલ ભયગ્રસ્ત થયો હતો. આથી તંત્ર વાહકોએ આ પુલનું રીપેરીંગ શરૂ કર્યુ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસો અગાઉ શહેરમાં આજી ડેમ ચોકડીએ નેશનલ હાઇવે ઓથોરીટીનાં પુલની દિવાલ તુટતાં બે યુવાનોનાં અપમૃત્યુની ગોઝારી દુર્ઘટના બની હતી. ત્યારબાદ મ્યુ. કોર્પોરેશને શહેરનાં તમામ બ્રીજનું ચેકીંગ હાથ ધરેલ.

જેમાં જામનગર હાઇવેનાં સાંઢિયા પુલ  અંગે રેલ્વે તંત્રએ મ્યુ. કોર્પોરેશનને એવો અભિપ્રાય આપ્યો હતો કે ટેકનીકલ દ્રષ્ટીએ આ પુલની વયમર્યાદા પુર્ણ થઇ ગઇ છે. આથી નવો બ્રીજ બનાવવો જરૂરી છે.

પરંતુ વર્તમાન કોરોના સંક્રમણ લોકડાઉનની સ્થીતીમાં રપ થી ૩૦ કરોડનાં ખર્ચે નવા બ્રીજનું કામ ચાલુ થઇ ન શકે કેમ કે પૈસા મટીરીયલ્સ અને મજૂર તમામની અછતની સ્થીતી છે. ઉપરાંત હાલમાં હોસ્પીટલ ચોક બ્રીજ, આમ્રપાલી બ્રીજનાં કામો ચાલુ છે.

આમ હાલ તુરંત સાંઢિયા પુલ બ્રીજથી જર્જરીત દિવાલો, રસ્તાની ફુટપાથ,રેલીંગ વગેરેનું મજબુસ્તકરણ કરવા. મ્યુ. કોર્પોરેશન અને રેલ્વે તંત્ર દ્વારા સંયુકત રીતે રીપેરીંગ ચાલુ કરી દીધું છે.

આ રીપેરીંગમાં બ્રીજમાં જયાંથી ટ્રેન પસાર થાય છે તે બુગદાની જર્જરીત દિવાલોનું મજબુતી કરણ તેમજ ઉપરનાં ભાગે પડુ પડુ હાલતમાં રહેલી દિવાલોનું મજબુતીકરણ વગેરે કામગીરી થઇરહી છે.

સુત્રોમાં જણાવ્યા મુજબ નજીકનાં ભવિષ્યમાં રાજય સરકાર કે કેન્દ્ર સરકારમાં આર્થિક સહકારથી જો 'સાંઢિયા પુલને તોડી પાડીને નવો બ્રીજ બનાવવાનો થાય તો તેની પ્રાથમિક બ્લ્યુ પ્રીન્ટ તૈયાર કરી દેવાઇ છે.'

જેમાં નવો બ્રીજ હયાત બ્રીજથી ઉંચો એટલે કે ડબલ ડેકર ટ્રેન પસાર થઇ શકે. તેટલી ઉંચાઇનો તેમજ હાઇવે રોડ ડબલ લાઇનનો હોઇ તેથી નવો બ્રીજ હયાત બ્રીજથી ડબલ પહોળો બનાવવાનું આયોજન છે.

(4:11 pm IST)