રાજકોટ
News of Monday, 29th June 2020

કોવિડ-૧૯માં મૃત્યુ પામનાર દર્દીની અંતિમવિધી કરતી ટીમોનું મૃતક યોગેશભાઇ જોષીના સ્વજને પુરષ્કાર આપી સન્માન કર્યુ

રાજકોટઃ સિવિલ હોસ્પિટલની કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીનું અવસાન થાય તો તેની અંતિમવિધી માટે ખાસ કામગીરી કરવી પડે છે. આ માટે અલગ-અલગ ટીમો પોતાના જીવ જોખમમાં મુકી કામગીરી કરી જે તે મૃતકની માનભેર અંતિમવિધી થાય તે માટે પ્રયાસ કરે છે અને મૃતદેહને ફાયરબ્રિગેડને સોંપે છે. આ ટીમોનું સન્માન કરવા અમરેલીના ભાવિકભાઇ વિજેન્દ્રભાઇ જોષી આજે કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા તથા આરએમઓ ડો. એમ. સી. ચાવડાને મળી પોતે આ ટીમને રોકડ પુરષ્કાર આપી સન્માન કરવા ઇચ્છે છે તેવી લાગણી દર્શાવતા તેમને મંજુરી અપાઇ હતી. ભાવિકભાઇ ફાર્મા કંપનીમાં કામ કરે છે. તેમના કાકા નિવૃત આરએફઓ યોગેશભાઇ જયંતિભાઇ જોષી (ઉ.૬૫)ને ૫ જુને કોવિડ-૧૯માં દાખલ કરાયા હતાં અને ૧૨જુને તેમનું અવસાન થયું હતું. ત્યારે આ સમગ્ર ટીમોએ જે કામગીરી કરી હતી તેનાથી ભાવિકભાઇ ખુબ જ પ્રભાવિત થયા હતાં. કોરોના વોરિયર્સ એવી આ સમગ્ર ટીમોનો ઉત્સાહ વધારવા તમામને પુરષ્કાર આપ્યો હતો. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

(4:17 pm IST)