રાજકોટ
News of Monday, 29th June 2020

આર્થિક નબળા વર્ગ માટેના પ્રમાણપત્ર ૩ વર્ષ સુધી માન્ય

તા. રપ જાન્યુઆરી ર૦૧૯થી ૧ર સપ્ટેમ્બર ર૦૧૯ સુધીમાં અપાયેલા

રાજકોટ, તા.ર૯ : રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે આર્થિક રીતે નબળા વર્ગના પ્રમાણપત્રની માન્યતા એક વર્ષથી વધારી ૩ વર્ષ કરવા માટે વિભાગના નાયબ સચિવ જી.પી. પટેલની સહીથી તા. ર૬ જુને પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, તા. રપ/૦૧/ર૦૧૯ થી તા. ૧ર/૦૯/ર૦૧૯ સુધીમાં ઇસ્યુ થયેલ આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રોને પણ ઇસ્યુ(Issue) થયા તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય ગણવાના રહેશે.

તા. રપ/૦૧/ર૦૧૯ થી તા. ૧ર/૦૯/ર૦૧૯ સુધીમાં ઇસ્યુ થયેલ EWS પ્રમાણપત્રની વધારેલ અવધિનો લાભ લેતા અગાઉ ઉમેદવારે સંબંધિત ભરતી સંસ્થા અથવા સબંધિત અભ્યાસક્રમો માટેની પ્રવેશ કમીટી સમક્ષ તેના કુટુંબની આવકમાં વધારો થયેલ નથી અને તેઓ રાજય સરકારના અનામતના હેતુ માટે નક્કી થયેલા પાત્રતાના માપદંડ મુજબ લાયક ઠરે છે તે અંગે નિયત નમૂનામાં બાંહેધરી આપવાની રહેશે.

આ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન અરજદારના કુટુંબની આવકમાં રાજય સરકારે નિર્ધારિત કરેલ આવક મર્યાદા કરતા વધારો થાય તો અરજદારે તે અંગે પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર સક્ષમ સત્તાધિકારી સમક્ષ તેની સ્વૈચ્છિક કબુલાત કરવાની રહેશે તથા આવા પ્રમાણપત્રનો અરજદારે ઉપયોગ કરવાનો રહેશે નહીં. જો અરજદાર અથવા તેના વાલી ઇરાદાપૂર્વક વિગતો છુપાવશે તો તેઓએ મેળવેલ અનામતનો લાભ રદ કરવા પાત્ર ઠરશે અને તેઓ કાયદેસરની કાર્યવાહીને પાત્ર બનશે.

(3:58 pm IST)