રાજકોટ
News of Wednesday, 25th March 2020

લોકો ચિંતામુકત રહે.. જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળશે

કલેકટર કચેરીએ મેયર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓની સંકલન બેઠક યોજાઇ : વિવિધ મુદ્દે ચર્ચા

રાજકોટ, તા. રપઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસથી ફેલાતા રોગને દેશમાં આગળ વધતો અટકાવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાહેર કરેલ ર૧ દિવસના ભારત દેશના લોકડાઉન દરમ્યાન રાજકોટના શહેરીજનોને જીવનજરૂરી ચીજવસ્તુઓ, અનાજ, દૂધ, દવા તેમજ ડાયાલીસીસ કરાવતા દર્દીઓને પણ મદદરૂપ થઇ શકાય તેવી વિગેરે આનુસાંગિક વ્યવસ્થા માટે આજ તા. રપ માર્ચના રોજ રાજકોટ કલેકટરની કચેરીએ પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલન બેઠક મળેલ હતી.

આ મીટીંગમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ જિલ્લા કલેકટર, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ડો. ભરત બોઘરા, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે.સખીયા, ભાનુભાઇ મેતા વિગેરે ઉપસ્થિત રહેલ.

પ્રધાનમંત્રીશ્રીએ કોરોના વાઇરસથી ફેલાતા રોગને આગળ વધતો અટકાવવા માટે દેશભરમાં ર૧ દિવસના લોકડાઉનનો નિર્ણય કરેલ છે. આ નિર્ણય સૌ દેશવાસીઓના હિતમાં છે જેથી આ લોકડાઉનમાં સૌનો સહયોગ મળે તે ખૂબજ જરૂરી છે. લોકડાઉન દરમ્યાન શહેરીજનોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં કોઇ મુશ્કેલી ન પડે તેમજ દવા ઉપરાંત ડાયાલીસીસ કરાવતા દર્દી પણ પરેશાન ન થાય તેવી તમામ આનુસાંગિક વ્યવસ્થા કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

આ માટે રાજકોટ મહાનગરપાલિકા સહિતની સરકારી કચેરીઓ વ્યવસ્થા ગોઠવશે અને શહેરીજનોને કોઇ મુશ્કેલી ન પડે તેનું વ્યવસ્થિત આયોજન કરશે.

વિશેષમાં વૈશ્વિક મહામારીરૂપે કોરોના વાઇરસથી ફેલાતા રોગચાળાને આગળ વધતો અટકાવવા દેશભરમાં લાગુ કરવામાં આવેલ. ર૧ દિવસના લોકડાઉનનો સૌ ચૂસ્તપણે અમલ કરે અને પોતાના ઘરમાં જ સુરક્ષિત રહે તેવી અપીલ કરવામાં આવેલ હતી. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:30 pm IST)