રાજકોટ
News of Wednesday, 25th March 2020

ન્યુ કોલેજવાડીમાં કોરોના પોઝીટીવ દર્દીના નિવાસ સ્થાન પાસેના બે મકાનોમાં ૯ વ્યકિતઓ હોમ કોરન્ટાઈન

કાલાવડ રોડ વિસ્તારના ૧૦૪ ઘરોમાં સર્વેઃ ૩૫૨ વ્યકિતઓનું મેડીકલ ચેકઅપ કરાયું

રાજકોટ, તા. ૨૫ :. શહેરના કાલાવડ રોડ પર આવેલ ન્યુ કોલેજવાડી વિસ્તારમાં કોરોના પોઝીટીવ દર્દીના નિવાસ સ્થાન આસપાસના બે મકાનોમાં કુલ ૯ વ્યકિતઓને હોમ કોરન્ટાઈનમાં રખાયા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. રાઠોડના જણાવ્યા મુજબ ન્યુ કોલેજવાડીમાં રહેતા મયુરધ્વજસિંહ હરીશ્ચંદ્રસિંહ ઝાલા (ઉ.વ. ૩૬)એ તેમના મિત્ર સાથે તા. ૧૩ માર્ચના રોજ ફલાઈટમાં અમદાવાદથી દુબઈ વિદેશ પ્રવાસ કરેલ અને તા. ૧૭ માર્ચે ફલાઈટ દ્વારા મુંબઈ આવેલ તથા તા. ૧૮ના રોજ મુંબઈથી રાજકોટ આવેલ.

દરમિયાન તા. ૧૯ માર્ચના રોજ ઉધરસ અને ગળામાં દુઃખાવો થતા વોકહાર્ટ - સિનર્જી હોસ્પીટલ તથા સીવીલ હોસ્પીટલમાં બતાવેલ. જેમાં તા. ૨૪ના રોજ સેમ્પલ લેવાતા પોઝીટીવ આવેલ અને સીવીલ આઈસોલેશનમાં દાખલ કરેલ છે. આ દર્દી હોમ કોરોન્ટાઈન લીસ્ટમાં છે. ઉપરાંત તા. ૨૪ના રોજ દર્દીના ત્રણ કુટુંબના સભ્યો તથા ચાર કોન્ટેકટને ત્રિમંદિર ખાતે કોરોન્ટાઈન હાઉસમાં ટ્રાન્સફર કરેલ છે. તેમજ બાજુમા બે ઘર તથા ૯ વ્યકિત હોમ કોરોન્ટાઈન કરેલ હતા અને રાત્રીના રાજકોટ મહાનગરપાલિકાની મેડીકલ ટીમ દ્વારા ૧૦૪ ઘરોમાં સર્વે કરેલ હતો જેમાં ૩૫૨ વ્યકિતનું મેડીકલ ચેકઅપ કરાયુ હતું.

(3:29 pm IST)