રાજકોટ
News of Wednesday, 25th March 2020

કોરોના ઘટનાઃ મોડી રાત્રે રાજકોટના તમામ પ્રાંતને કમાડન્ટની સત્તા

મોડી રાત્રે કેન્દ્રિય ગૃહ મંત્રાલયની સુચના બાદ કલેકટરનો નિર્ણયઃ તમામ સરકારી કચેરીના અધિકારી-કર્મચારી જે તે પ્રાંતને હવાલે...: ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ કલેકટરને તમામ પાવરઃ દૂધ-શાકભાજી-ફળ-કરીયાણુ-દવા-માસ્ક-સેનીટાઇઝરના સરળ પરીવહન માટે ધડાધડ પગલાઃ સાંજે ૪ વાગ્યે તમામ પ્રાંત (કમાડન્ટ) સાથે મીટીંગઃ કઇ વસ્તુનું પરીવહન કરવા દેવું - પાસ માટે ર થી ૩ દિ'માં વ્યવસ્થાઃ પ્રાંતને હવાલે ઢગલાબંધ કર્મચારીઓ મુકાયાઃ ૪૦૦થી વધુના ઓર્ડરોઃ ઘરે ઘરે સર્વે સંદર્ભે મ્યુ. કમીશનરને ૧૦ સક્ષમ બૂથ લેવલ ઓફીસર ફાળવી દેવાયાઃ રાજકોટમાં ઘરે-ઘરે રાશન-શાકભાજી- દૂધ મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવા કલેકટરની ભાજપ-પદાધિકારીઓ પ્રાંત સાથે બેઠક

રાજકોટ તા. રપ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ  ર૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે, અને તેનું અક્ષરસઃ પાલન થાય તે માટે ધડાધડ નિર્ણયો મોડી રાત્રે જ લેવાયા છે.

કલેકટરે જણાવ્યું હતું કે લોકડાઉનની જાહેરાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ ર૧ દિવસના લોકડાઉન અંગે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંગે એકટ હેઠળ કલેકટરને તમામ પાવર આપી દેવાયા છે.

તેમણે ઉમેર્યું હતું કે કોરોના એક ભયાનક બનાવ ઘટના છે, અને કેન્દ્રિય ગૃહ મંત્રાલયની સુચના અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ કાર્યવાહી કરવાની હોય કલેકટરને તમામ પાવર હોય, મોડી રાત્રે ૧૦ાા વાગ્યે રાજકોટના તમામ પ્રાંતને ઇન્ડસીડન્ટ કમાડન્ટની સત્તા આપી દેતા ઓર્ડરો કરાયા છે.

હવેથી દરેક પ્રાંત હેઠળ તેમના વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરીના કર્મચારીઓ - અધિકારીઓ પ્રાંતની સુચના મુજબ કાર્યવાહી કરશે, તેમજ દૂધ-શાકભાજી-ફળ-જીવન જરૂરી ચીજ વસ્તુઓ-કરીયાણું-દવા-માસ્ક- સેનીટાઇઝર અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓનું સરળ પરીવહન થાય - ટ્રાન્સપોર્ટશનમાં મુશ્કેલીઓ ન પડે તે માટે દરેક પ્રાંત પોતાના વિસ્તારમાં 'પાસ'ની વ્યવસ્થા કરશે, એટલુ જ નહી કઇ વસ્તુને એકઝામશન આપવું., કોને ન આપવુ તે પણ પ્રાંત નકકી કરશે.

કલેકટરે જણાવેલ કે ડીઝાસ્ટર તંત્ર દ્વારા જેમ મોકડ્રીલ યોજાય અને બધા કર્મચારીને સુચના-આદેશ કરતો ડીઝાસ્ટર તંત્રનો કમાન્ડર હોય છે, તેવી તમામ સત્તા પ્રાંતને આપી દેવાઇ છે.

કલેકટરે જણાવેલ કે પોલીસને પણ સુચના આપી છે, કે રાજકોટ શહેર - જીલ્લામાંથી કોઇ બહાર જાય નહિ, અને કોઇ અંદર આવે નહિ તે ખાસ જોવુ, અને તમામ પગલા જરૂર પડયે લેવા.

કોલ્ડ સ્ટોરેજ બંધ નહિ રખાય

કલેકટરે ઉમેર્યુ હતું કે, રાજકોટ શહેર - જીલ્લામાં સંખ્યાબંધ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, તે બંધ નહિ રખાય, તે બંધ નહિ કરાવવા આદેશો કર્યા છે, જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનો સંગ્રહ હોય છે, જો કોલ્ડ સ્ટોરેજ બંધ કરાય તો વસ્તુઓ નાશ પામે અને આખી સાયકલ તુટી જાય...

ભાજપ-પદાધીકારીઓ પ્રાંત સાથે બેઠક

કલેકટરે આજે સવારે ૧૧ વાગ્યે ભાજપના પદાધિકારીઓ અને તમામ પ્રાંત - મ્યુ. કમીશ્નર - ડીડીઓ - પોલીસ તંત્ર સાથે બેઠક યોજી હતી, જેમાં રાજકોટ શહેર - જીલ્લાના લોકોને ઘરે - ઘરે શાકભાજી - દૂધ - ફળ- કરીયાણું - તથા અન્ય જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે અંગે વ્યવસ્થા ગોઠવવા અને કઇ રીતે કામગીરી કરવી તે અંગે નિર્ણય લેવાયો હતો.

સીટી સર્વેનો તમામ સ્ટાફ ઉપાડી લેવાયો કુલ ૪૦૦ના ઓર્ડરો

કલેકટરે જણાવ્યું હતું કે પ્રાંતને કમાડન્ટની સત્તા આપી દીધા બાદ તેમની ટીમો સરળતાથી કામગીરી કરી શકે તે માટે સીટી સર્વેની તમામ કચેરીનો સ્ટાફ ઉપાડી લેવાયો છે, વિવિધ કામગીરી - ચેકીંગ માટે કુલ ૩પ૦ થી ૪૦૦ ના સ્ટાફના ઓર્ડરો કરાયા છે, અને જરૂર પડયે વધુ સ્ટાફના ઓર્ડરો થશે.

૧૦ બુથ લેવલ ઓફીસરો મ્યુ. કમીશ્નરના હવાલે

કલેકટરે જણાવ્યું હતું કે કોર્પોરેશનની આરોગ્ય અને અન્ય ટીમો ઘરે - ઘરે સફાઇ - ચેકીંગ બધુ કરી રહી છે, આમ છતાં સ્ટાફની અછત જોતા, આપણા ૧૦ સક્ષમ બૂથ લેવલ ઓફીસરોની એક આખી ટીમ આજથી મ્યુ. કમીશ્નરના હવાલે મૂકી દેવાઇ છે.

આજે સાંજે તમામ પ્રાંતની મીટીંગ

કલેકટરે ઉમેર્યુ હતું કે આજે સાંજે તમામ પ્રાંતની મીટીંગ બોલાવી છે, જેમાં કઇ વસ્તુનું પરીવહન કરવા દેવુ, તેના પાસ વિગેરે અંગે નિર્ણય લેવાશે, પાસ સીસ્ટમ  ર થી ૩ દિવસમાં ગોઠવાઇ જશે.

દુકાને - દુકાને રાશન પહોંચતું કરવા આદેશો

કલેકટરે ઉમેર્યું હતું કે આપણી પાસે બે મહિનાનો જથ્થો છે, એપ્રીલનો જથ્થો વહેલો આપી દેવાશે, તેમજ રેશનીંગ દૂકાનદારોને રાશન પહોંચતુ કરવા આદેશો કર્યા છે, અને તે સંદર્ભે ડીએસઓ શ્રી પૂજા બાવળા અને તેમના ઇન્સ્પેકટરો દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.

(12:11 pm IST)