રાજકોટ
News of Friday, 14th February 2020

શનિ-રવિ સવારનું તાપમાન આંશિક ઘટશેઃ મંગળવારે પારો ૩૬ ડિગ્રીને પણ વટાવી જશે

હાલમાં ન્યુનતમ ૧૫ થી ૧૬ અને મહત્તમ તાપમાન ૩૦ થી ૩૧ ડિગ્રી ગણાય : તા.૨૦ થી ૨૨ દરમિયાન બે દિવસ પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઝાકળવર્ષા : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૪ : હાલમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિવસ દરમિયાન પણ ગરમી જેવો માહોલ જોવા મળે છે. દરમિયાન શનિ - રવિ સવારના ન્યુનતમ તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળશે. જયારે મંગળવારના રોજ દિવસનું તાપમાન ૩૬ ડિગ્રીએ પહોંચી જશે. તા.૨૦ થી ૨૨ દરમિયાન બે દિવસ પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઝાકળવર્ષા થશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે, ગત આપેલ આગાહી મુજબ  તાપમાન નોર્મલથી ઉંચા જોવા મળે છે. જેમ કે આજરોજ અમદાવાદમાં ૧૮.૫, રાજકોટ ૧૭.૨, કેશોદ ૧૭.૪, ભુજ ૧૫.૮, કંડલા એરપોર્ટ ૧૮.૬ અને અમરેલી ૧૮ ડિગ્રી નોંધાયેલ. હાલમાં ન્યુનતમ નોર્મલ તાપમાન ૧૪ થી ૧૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન નોર્મલ ૩૦ થી ૩૧ ડિગ્રી ગણાય.

અશોકભાઈ તા.૧૫ થી ૨૨ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતાં જણાવે છે કે તા.૧૫, ૧૬ના ન્યુનતમ તાપમાન આંશિક ઘટશે અને મહત્તમ તાપમાન આજે - કાલે આંશિક ઘટશે. તા.૧૬ થી ૧૯ સુધી મહત્તમ તાપમાન ઉંચુ રહેશે. ૧૮મીના દિવસના પારો ૩૬ ડિગ્રીને પણ પાર પહોંચી જશે. જયારે તા.૨૦ - ૨૧ - ૨૨ દરમિયાન ફરી આંશિક ઘટાડો જોવા મળશે તેમ છતાં ન્યુનતમ તાપમાન તા.૧૭ થી ૧૯ દરમિયાન વધશે. ફરી તાપમાનમાં તા.૨૦-૨૧-૨૨ આંશિક ઘટાડો થશે. જે નોર્મલ નજીક પહોંચી જશે. પવનની વાત કરીએ તો ૧૭મી સુધી પવન નોર્થ નોર્થ ઈસ્ટના તેમજ ૧૮મીના પવન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના ફંૂકાશે. તા.૨૦-૨૧-૨૨ દરમિયાન સવારે ભેજનું પ્રમાણ રહેશે. જેથી બે દિવસ પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઝાકળવર્ષા સંભવ છે. આગાહીના સમય દરમિયાન પવન જનરલ ૧૦ થી ૨૦ કિ.મી. અને તા.૧૯ના એક દિવસ પવનની ગતિ તેનાથી વધુ થઈ શકે છે.

(2:53 pm IST)