રાજકોટ
News of Monday, 2nd December 2019

કવિ અમૃત ઘાયલ લકઝરિયસ હોલ ધોળો હાથી સાબીત થવાની ભીતી : લગ્નગાળામાં પણ માંડ ૧૬ દિવસનું જ બુકીંગ

આનંદનગર, થોરાળા, પેડક રોડ, સહિતના કોમ્યુનીટી હોલમાં ફેબ્રુઆરી સુધી બુકીંગ હાઉસફુલ

રાજકોટ, તા. ર : ફેબ્રુઆરી સુધી લગ્નની ભરપૂર મોસમ હોવા છતાં મ્યુ. કોર્પોરેશને યુનિવર્સિટી રોડ પર કરોડોના ખર્ચે બનાવેલા ફાઇવ સ્ટાર હોટલ કક્ષાનો કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા ત્રણ મહીનામાં માત્ર ૧૬ દિવસનું જ બુકીંગ થયું છે. આમ હોલ ધોળા હાથી સમાન બની રહેવાની ભીતી સર્જાઇ છે. જયારે અન્ય કોમ્યુનીટી હોલ ફેબ્રુઆરી સુધી હાઉસફુલ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના એસ્ટેટ મેનેજમેન્ટ વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ યુનિવર્સિટી પર કરોડોનો ખર્ચ કરી બનાવવામાં આવેલ સુવિધા સભર સેન્ટ્રલ એરકન્ડીશ્નર કવિ અમૃત ઘાયલ કોમ્યુનીટી હોલ છેલ્લા ૩ મહીનામાં એટલે કે ડીસેમ્બરમાં માત્ર ર દિવસ, જાન્યુઆરીમાં પ દિવસ અને ફેબ્રુઆરીમાં માત્ર ૯ દિવસ (ફેબ્રુઆરીમાં ભરપૂર લગ્નગાળો રહે છે) એમ કુલ ૧૬ દિવસ જ આ કોમ્યુનીટી હોલનું બુકીંગ થયું છે.

જયારે મ્યુ. કોર્પોરેશનના અન્ય સુવિધા સભર કોમ્યુનીટી હોલ સભર કોમ્યુનીટી હોલ જેવા કે આનંદનગર (સદ્ગુરૂ રણછોડદાસ કોમ્યુનીટી હોલ), પેડક રોડ (અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ પાસે), થોરાળા (મોહનભાઇ સરવૈયા હોલ), આમ્રપાલી રૈયા રોડ (ગુરૂ ગોવિંદસિંહ હોલમાં ફેબ્રુઆરી સુધી હાઉસફુલ બુકીંગ થઇ રહ્યું છે કેમ કે આ તમામ કોમ્યુનિટી હોલના ભાડા અને ડીપોઝીટ ઓછા છે. મધ્યમ વર્ગ ગરીબોને  આ હોલમાં પ્રસંગ કરવાનુપરવડે  છે.

જયારે કવી અમૃત ઘાયલ હોલનુ ભાડુ ડીપોઝીટ, રૂમ ભાડુ વગેરે મળી કુલ ૮૮ હજાર જેટલી રકમ બુકીંગ જેટલી રકમ બુકીંગ સમયે જમા કરાવવી પડે છે આથી આ હોલનુ બુકીંગ કરાવવામાં લોકો ખચકાટ અનુભવી રહ્યાનુ ચર્ચાઇ રહ્યુ છે.

જો કે  તંત્રવાહકો એવી સ્પષ્ટતા કરી રહયા છે હજુ આ હોલ નવો છે. લોકોને સુવિધાની જાણ નથી જેમ  જેમ લોકોને જાણ થતી જશે તેમ તેમ આ હોલનું બુકીંગ વધવા લાગશે તેવી આશા છે. પરંતુ હાલમાં આ નવો લકઝરીયસ હોલ ધોળો હાથી સાબીત થવાની ભીતી સર્જાઇ છે.

(3:29 pm IST)