રાજકોટ
News of Wednesday, 9th October 2019

વંદે માતરમ્ ગીતમાં શ્રોતાઓએ રાષ્ટ્રવંદના સાથે સૂર પુરાવ્યો

સૂરસંસાર દ્વારા યોજાઈ ગયેલ અદ્વિતીય કાર્યક્રમ 'ડાયમન્ડઝ ઓફ બેંગાલ' : મુંબઈના સુવિખ્યાત ગાયકો આનંદ પલવનકર અને પ્રણિતા દેશપાંડેએ રીમઝીમ ગીરે સાવન, ન જાને કયુ હોતા હૈ, જીંદગી કે સાથ, આજા પિયા તો હે પ્યાર દુ જેવા ગીતો પીરસી સંગીત પ્રેમીઓના મન મોહી લીધા

રાજકોટ : સુવિખ્યાત સંસ્થા સૂરસંસારે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. રાજકોટના હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે આ સંસ્થાનો વિક્રમસર્જક ૧૪૭મો કાર્યક્રમ તા.૨૭ સપ્ટેમ્બરના યોજાઈ ગયો. સૂરસંસાર ૧૫૦માં કાર્યક્રમથી હવે માત્ર બે સોપાન દૂર છે. છેલ્લા ૨૫ વર્ષો દરમિયાન આ સંસ્થાએ ગીતોની પસંદગી, સાદગી અને બીનજરૂરી વાજીંત્રોની ભરમારથી દૂર રહીને સૌમ્ય રજૂઆતનું એક નવું ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

હિન્દી ફિલ્મ સંગીતમાં બંગાળની ભૂમિનું અનોખુ પ્રદાન રહ્યુ છે. બંગાળના અભિનેતાઓ, ગાયકો, સંગીતકારો, સાહિત્યકારો, ફિલ્મ સર્જકો અને દિગ્દર્શકોનું મોટુ પ્રદાન રહ્યુ છે. હિન્દી ફિલ્મ સંગીતમાં બંગાળના પ્રદાનને સૂરસંસારના ભાવકો સુધી પહોંચાડવા માટે મુળ 'ડાયમન્ડઝ ઓફ બેંગાલ' નામના કાર્યક્રમના મહત્વના અંશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. મુંબઈના સુવિખ્યાત ગાયકો આનંદ પલવનકર તથા પ્રણીતા દેશપાંડે આ કાર્યક્રમ માટે આવ્યા હતા. સૂરસંસારના પૂર્વે યોજાયેલા કાર્યક્રમોમાં પણ આ ગાયક કલાકારો પોતાની કલાનો રસાસ્વાદ કરાવી ગયા છે. વડોદરાના જાણીતા કીબોર્ડ વિઝાર્ડ જીજ્ઞેશ પટેલ તથા સાથીદારોએ સૌમ્ય સંગીત સંગાથ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં રજૂ થયેલા ગીતોમાં કયાંકને કયાંક બંગાળનો સ્પર્શ રહ્યો હોય તેવા ગીતો સમાવિષ્ટ હતા. કાર્યક્રમના પ્રારંભે પ્રણીતા દેશપાંડેના મધુર કંઠે સલીલ ચૌધરીની અમર રચના 'મે તો કબ સે ખડી ઈસ પાર' (ફિલ્મ - મધુમતી) રજૂ થયુ. ત્યારબાદ આનંદ પલવનકરના બુલંદ અવાજમાં સદાબહાર વરસાદી ગીત 'રીમઝીમ ગીરે સાવન' (ફિલ્મ - મંઝીલ) રજૂ થયુ.

આવા સદાબહાર અને મધુર ગીતોથી આરંભ થયા પછી પ્રણીતાજીએ 'સાકીયા આ જ મોહે નીંદ', જાતો સે નહી બોલુ કનૈયા, સાંવરે સાંવરે, મન ડોલે મેરા તન ડોલે, ન જાને કયુ હોતા હે, યે જીંદગી કે સાથ અને આજા પીયા તોહે પ્યાર દુ જેવા ગીતો રજૂ કર્યા.

આનંદ પલવનકરે પોતાના કેળવાયેલા કંઠે જરા નઝરો સે કહે દો જી, દેખો વો ચાંદ છુપકે, યે મહેલો યે તખ્તો યે તાજો કી દુનિયા, રેલ ગાડી છુક છુક, લાગા ચુનરી મેં દાગ, જીંદગી પ્યાર કી દોર ચાર ઘડી હોતી હે, તથા દિલ ઐસા કિસીને મેરા તોડા જેવા બંગાળી સ્પર્શના ગીતો રજૂ કર્યા.

આ કલાકાર બેલડીએ કેટલાક સુંદર ડ્યુએટ ગીતો રજૂ કર્યા હતા. જેમાં આંખો મે કયા જી, કશ્તી કા ખામોશ સફર હૈ, ની સુલતાના રે, ચુનરી સંભાલ ગોરી, રાહી મતવાલે તુ છેક ઈકબાર, દિવાના મસ્તાના હુઆ દિલ તથા આ ગુપચુપ ગુપચુપ પ્યાર કરે ગીતોનો સમાવેશ થયો હતો.

આ કાર્યક્રમના આકર્ષણ રૂપ કેટલાક ગીતોને શ્રોતાઓનો જબ્બર પ્રતિસાદ  મળ્યો હતો. સૂરસંસારના કોરસવૃંદના કલાકારો દર્શિત કાનાબાર, કાર્તિક ઠાકર, કમલ જીવરાજાની, ખ્યાતિ પંડ્યા, એ સુંદર અને સુરીલા વૃંદગાન માટે પ્રમુખ ગાયકો અને શ્રોતાઓની પ્રશંસા મેળવી હતી. આ વૃંદના ખ્યાતિ પંડ્યાએ પ્રણીતા દેશપાંડે સાથે જાનુ જાનુ રે કાહે ખનકે રે તોરા કંગના ગીત પૂરા વિશ્વાસ સાથે રજૂ કર્યુ. બંગાળની માટીની સુગંધ ધરાવતા બંગાળના બે ધુરંધર - ગાયક - સંગીતકારો - પંકજ મલ્લિક તથા જગમોહનના બે ગૈર ફિલ્મી ગીતો અનુક્રમે યે રાતે યે મૌસમ યે હસના હસાના તથા દિલ કો હે તુમસે પ્યાર કયુ આનંદ પલવનકરે રજૂ કર્યા. આ તકે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે આ પ્રકારના ગીતો માત્ર સૂરસંસારના શ્રોતાઓ માટે જ પસંદ કર્યા છે. સામાન્ય શ્રોતાઓ આવા ગીતો પચાવી શકતા નથી. આનંદ પલવનકરે ૧૯૪૦થી ૯૦ સુધીમાં વિવિધ તબક્કે ભૈરવી રાગમાં સ્વરાંકિત થતા ગીતોના બદલાતા સ્વરૂપની, ઉદાહરણ સાથે માહિતી આપી હતી. હિન્દી ફિલ્મી ગીતોમાં ભૈરવી રાગનું વિશેષ મહત્વ અને માધુર્ય રહ્યુ છે. આનંદ પલવનકરે આ કાર્યક્રમ દરમિયાન કિશોરકુમાર, હેમન્તકુમાર, મહમ્મદ રફી, અશોકકુમાર, તલત મહેમુદ, જગમોહન, પંકજ મલ્લિક તથા સાયગલ જેવા પાર્શ્વ ગાયકોના ગીતો પુરા સમર્પણથી રજૂ કર્યા હતા.

જયારે પ્રણીતા દેશપાંડેએ લતા મંગેશકર, આશા ભોંસલે, ગીતા દત્ત, સુધા મલ્હોત્રા, સુરૈયા, સંધ્યા મુખરજી જેવા ગાયિકાઓના મુળ અંદાજ જાળવી રાખીને તેમના ગીતો રજૂ કર્યા હતા.

ફિલ્મ 'પ્યાસા'ની અમર નઝમ યે મહેલો યે તખ્તો યે તાજો કી દુનિયા આનંદ પલવનકરે જયારે રજૂ કરી ત્યારે શ્રોતાઓ ભાવવિભોર બની ગયા હતા. એ જ પ્રમાણે 'લાગા ચુનરી મેં દાગ' ગીતને પણ અપ્રતિમ પ્રતિસાદ મળ્યો હતો. અનેક ગીતો માટે શ્રોતાઓએ વન્સ મોરની માગણી કરી હતી.

કાર્યક્રમના અંતે અમર ગાયક કુંદનલાલ સાયગલની સદાબહાર ભૈરવીમાં નિબદ્ધ બાબુલ મોરા નૈહર છુટો જાય રજૂ કરીને આનંદ પલવનકરે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મુકયા. છેલ્લા રાષ્ટ્રવૃંદનાનું ગીત (સ્વર હેમંતકુમાર ફિલ્મ આનંદમક) વંદે માતરમ્ આનંદજીએ રજૂ કર્યુ. શ્રોતાઓએ રાષ્ટ્રવંદના સાથે ઉભા થઈને પોતાનો સૂર પુરાવ્યો.

કાર્યક્રમ દરમિયાન આનંદ પલવનકરે બંગાળના સંગીતકારો, ગાયકો તથા સંગીત જગતની કેટલીક માહિતી આપી હતી.

વાદ્યવૃંદનું સૌમ્ય વાદન, ધ્વની વ્યવસ્થા તથા ગીતોની સૌમ્ય રજૂઆત આ કાર્યક્રમના પ્રશંસનીય પાસા રહ્યા. કાર્યક્રમની ધ્વની વ્યવસ્થા આનંદ ડીજીટલ સાઉન્ડએ સંભાળી હતી. જયારે વિડીયોગ્રાફી સદ્દગુરૂ વિડીયો વિઝનના ચેતન પોપટે સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન યુવા ઉદ્દઘોષિકા રશ્મીબેન માણેકે સંભાળ્યુ હતું.

કાર્યક્રમના મધ્યે સંસ્થાના મોભી ભગવતીભાઈ મોદીએ આગામી કાર્યક્રમની માહિતી આપી હતી તથા સૂરસંસારને ૧૯૯૪થી સતત ૨૦૧૯ સુધી સહકાર આપી રહેલા સહભાગીઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમના આયોજન માટે સંસ્થાના કારોબારી સભ્યો મનીષભાઈ છાયાએ સુંદર આયોજન કર્યુ હતું.

આ અંગે વધુ માહિતી માટે ભગવતીભાઈ મોદી ફોન - ૦૨૮૧ - ૨૫૭૭૫૬૩નો સંપર્ક કરી શકાય છે.

(3:47 pm IST)