રાજકોટ
News of Tuesday, 13th August 2019

સંસ્કૃતમાં ઉપલબ્ધ માહિતી એકત્ર કરી ગૌપાલન-ગૌસંવર્ધનને સમૃધ્ધ બનાવો : ડો. વલ્લભભાઇ કથીરિયા

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 'સંસ્કૃત વાક્રમયમાં ગૌતત્વ' વિષય પર વ્યાખ્યાન સંપન્ન

રાજકોટ : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સોમનાથ ખાતે સંસ્કૃત વાક્રમયમાં ગૌતત્વ વિશે એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેીમનારમાં આ વિષયના નિષ્ણાંતો શત્રુધન પાણીગ્રાહી પ્રિ. ડો. નરેન્દ્રકુમાર પંડયા, ડો. પંકજકુમાર એસ. રાવલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમીનારના અધ્યક્ષીય વકતા તરીકે ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ સંસ્કૃત ગ્રંથો, પૌરાણીક ગ્રંથોમાં આલેખાયેલા ગૌમાતા, કામધેનુના સામાજીક, ધાર્મિક, આર્થિક મહતવ અંગે હજુ વધુ રીસર્ચની આવશ્યકતા છે તેમ જણાવ્યું હતું. ગૌ આધારિત સજીવ કૃષિના માધ્યમથી ખેડૂતોની આવક વધે, કૃષિ પેદાશોની પણ ગુણવતા વધે, ગૌમાતાનું પણ રક્ષણ થાય તેવા ઉમદા પ્રયાસો સમગ્ર રાષ્ટ્રમાં થઇ રહ્યાં છે ત્યારે ગૌપાલન, ગૌસંરક્ષણ અને ગૌસંવર્ધન એ અંગે જેટલી પણ માહિતી સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ હોય તે એકત્ર કરી આ ગૌરવશાળી વારસાને ભાવિ પેઢીના તથા સમગ્ર સમાજના કલ્યાણાર્થે સદ્ઉપયોગ કરવા ડો. કથીરિયાએ ઉપસ્થિત તજજ્ઞો તથા વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. આ સેમીનારમાં હિમાજય પાલિવાલજી (સંસ્કૃત ભારતીના સંગઠન મંત્રી), કુલસચિવ ડો. દશરથ જાદવ (સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી), વેદ વિભાગના અધ્યક્ષ પ્રો. દેવેન્દ્રનાથ પાંડેય, સાહિત્ય વિભાગના અધ્યક્ષ પ્રો. અર્ચનાબેન દુબે તથા યુનિ. સંચાલિત કોલેજના પ્રિ. ડો. નરેન્દ્રકુમાર પંડયા અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જાનકીશરણ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

(3:52 pm IST)