રાજકોટ
News of Tuesday, 13th August 2019

કાલે સીન્ડીકેટઃ માલામાલ કરી દે તેવી ૨૧ ખાનગી કોલેજોની થનારી લ્હાણી

સમાજમાં સારો મેસેજ આપવા એક પણ સીન્ડીકેટ સભ્યને નવી કોલેજ નહીં પરંતુ ૭ સેનેટરોને ખાનગી કોલેજોની મંજુરી મળશેઃ ગોઠવાતો તખ્તો

રાજકોટ, તા. ૧૩ :. એ-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી કોલેજોને પ્રોત્સાહન આપવાના બદલે ખાનગી કોલેજો માટે મોકળો માર્ગ કરી દેવાની નીતિને પગલે હવે ખાનગીકરણની બોલબાલા થઈ છે. ખાનગી કોલેજોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે ત્યારે આવતીકાલે વધુ ૨૧ કોલેજોને મંજુરીનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ આવતીકાલે સીન્ડીકેટની બેઠક મળનાર છે. તેમાં કોઈ અન્ય ખાસ મુદ્દાને બદલે માત્ર નવી કોલેજોને મંજુરી આપવાનું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલે સીન્ડીકેટની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં બીએસસીની ૧૧ કોલેજ, ડીએમએલટીની ૪, બીજેએમસીની ૨, બીબીએની ૩ મળી કુલ ૨૧ કોલેજોની મંજુરી અર્થે આવેલી દરખાસ્ત અને લોકલ ઈન્કવાયરી કમીટીના રીપોર્ટને આધારે માલમાલ કરી દેતી ખાનગી કોલેજોની લ્હાણી થનાર હોવાનું ચર્ચાય રહ્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સમાજમાં સારો મેસેજ આપવા માટે જે ૨૧ કોલેજોને મંજુરી અપાનાર છે તેમા એક પણ સીન્ડીકેટ સભ્ય નથી, પરંતુ ૭ સેનેટ સભ્યની મંજુર થનાર હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

(3:44 pm IST)