રાજકોટ
News of Tuesday, 13th August 2019

બુધ-ગુરૂ-શુક્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં ઝાપટા વરસશે

મધ્યપ્રદેશ અને રાજસ્થાનને લાગુ ગુજરાતના બોર્ડર વિસ્તારોમાં વરસાદનો વધુ લાભ મળશે : સૌરાષ્ટ્ર - કચ્છના ૫૦% વિસ્તારોમાં ૨૦ મી.મી., બાકીના ૫૦% વિસ્તારોમાં ૨૦ મી.મી.થી ૪૦ મી.મી. કયાંક ૫૦ મી.મી. વરસી જાય : તા.૧૭-૧૮ છૂટાછવાયા ઝાપટા પડશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૩ : આવતીકાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાઓ વરસશે. સૌરાષ્ટ્ર - કચ્છના ૫૦ ટકા વિસ્તારોમાં ૨૦ મી.મી. તો બાકીના ૫૦ ટકા વિસ્તારોમાં ૨૦ મી.મી.થી ૪૦ મી.મી. તો કયાંક ૫૦ મી.મી. સુધીનો વરસી જાય અને જયારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ૭૫% વિસ્તારોમાં ૫૦ થી ૭૫ મી.મી. (વધુ વરસાદવાળા સેન્ટરોમાં ૧૦૦ મી.મી.એ પહોંચે.) બાકીના ગુજરાતમાં ૨૫ થી ૫૦ મી.મી. વરસાદ પડશે. લો પ્રેશરવાળી સિસ્ટમ્સનો વધુ લાભ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને લાગુ ગુજરાતના બોર્ડર વિસ્તારોને મળશે.

જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ગઈકાલે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર થયુ હતું જે જમીન ઉપર આવી આજે પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગમાં અને લાગુ ઉત્તર ઓડીશા ઉપર છે. તેને આનુસાંગિક સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ.મી.ના લેવલ સુધી ફેલાયેલ છે. તેમજ વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂંકે છે. આ લો પ્રેશર આગામી ૪૮ કલાકમાં વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે.

એક ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી લક્ષદ્વીપ સુધી હતો તે આજે મહારાષ્ટ્રના દરિયાકિનારાથી ઉત્તર કેરળના કિનારા સુધી લંબાય છે. ચોમાસુધરી હાલમાં ફિરોઝપુર, પટીયાલા, મેઈનપુરી, દલોતગંજ, ચાઈબાસા થઈ સિસ્ટમ્સના લો પ્રેશર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે.

ગત સપ્તાહે જૂનું ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રવાળુ લો પ્રેશર નબળુ પડી હવે ફકત તેને આનુસાંગિક ૪.૫ કિ.મી.ના લેવલ સુધીનંુ છે.

આ સિસ્ટમ્સ મધ્યપ્રદેશ તરફ ગતિ કરશે. ત્યાંથી ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશ ત્યારબાદ ઉત્તર રાજસ્થાન બાજુ જશે. જેથી આ સિસ્ટમ્સનો વધુ ફાયદો ઉત્તર પશ્ચિમ એમ.પી., પૂર્વ રાજસ્થાન, નોર્થ એમ.પી.ને લાગુ રાજસ્થાન બોર્ડરને થાય તેમ છતાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર વિસ્તાર તેમજ એમ.પી.વાળુ ગુજરાત બોર્ડરવાળો વિસ્તાર બંનેને અસરકર્તા રહેશે.

અશોકભાઈએ તા.૧૩ થી ૧૮ ઓગષ્ટ સુધીની આગાહી કરતાં જણાવેલ કે, તા.૧૪-૧૫-૧૬ બુધ-ગુરૂ-શુક્ર ગુજરાત રીજન એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ૭૫% વિસ્તારમાં ૫૦ થી ૭૫ મી.મી. વરસાદ પડે તેવી શકયતા છે. (વધુ વરસાદવાળા સેન્ટરોમાં ૧૦૦ મી.મી. સુધી પહોંચે) બાકીના ગુજરાત રીજનમાં ૨૫ થી ૫૦ મી.મી. વરસાદ પડે.

જયારે સૌરાષ્ટ્ર - કચ્છના ૫૦% વિસ્તારોમાં ઝાપટાથી ૨૦ મી.મી., બાકીના ૫૦% વિસ્તારમાં ૨૦ મી.મી.થી ૪૦ મી.મી. અને કયાંક ૫૦ ટકાએ પહોંચી જશે. આગાહીના આગલા ત્રણ દિવસ બાદ કોઈ કોઈ જગ્યાએ છુટાછવાયા સ્થળોએ ઝાપટા વરસી જાય.

(3:19 pm IST)