રાજકોટ
News of Tuesday, 13th August 2019

આજે તો મુકવો જ નથી, હાથ પગ ભાંગી જ નાંખવા છે...કુવાડવામાં પાનવાળા હિતેષ બુધ્ધદેવ પર હુમલો

ડેરીમાં કામ કરતાં રોહિતને દૂકાન પાસે દેકારો કરવાની ના પાડતાં છરી ઝીંકી અને ડેરી વાળા શની પાઉએ આવી ધમકી દીધાની ફરિયાદ

રાજકોટ તા. ૧૩: કુવાડવામાં રહેતાં અને ગામના હાઇવે પર કિસ્મત પાન નામની દૂકાન ધરાવતાં હિતેષ મહેશભાઇ બુધ્ધદેવ (લોહાણા) (ઉ.૨૮) નામના વેપારી યુવાનને તે સાંજે પોતાની દૂકાને હતો ત્યારે ગામના જ શની રાજુભાઇ પાઉ અને રોહિતે આવી ઝઘડો કરી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી તેમજ કપાળે છરી ઝીંકી દઇ ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

કુવાડવાના પીએસઆઇ આર. એલ. ખટાણાએ હિતેષની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. હિતેષના કહેવા મુજબ હું સાંજે મારી દૂકાને હતો ત્યારે નજીકમાં આવેલી શનીભાઇની દૂધની ડેરીના માણસ રોહિતે આવી જેમ તેમ બોલી દેકારો કરતાં તેને દેકારો કરવાની ના પાડતાં વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી. તેમજ છરી કાઢી હુમલલો કરતાં મને કપાળના પાછળના ભાગે લાગી ગઇ હતી. ત્યાં તેનો શેઠ શનીભાઇ પાઉ પણ આવ્યો હતો અને તેણે પણ ઝઘડો કરી ગાળો દઇ 'આજે તો હિતેષના હાથ પગ ભાંગી નાંખવા છે, મુકવાનો થતો જ નથી' તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. દેકારો થતાં બીજા લોકો આવી ગયા હતાં અને મને છોડાવ્યો હતો. એ પછી મારા ભાઇ દિપકભાઇને બોલાવતાં તેણે ૧૦૮ મારફત કુવાડવા હોસ્પિટલે ખસેડ્યો હતો.

(11:23 am IST)