રાજકોટ
News of Tuesday, 13th August 2019

અકિલા

રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવ

ખેલૈયાઓ ફરી એકવાર થઈ જાવ તૈયાર : રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા સતત પાંચમાં વર્ષે નવરાત્રીમાં યોજાશે રાસોત્સવ : કોઈપણ પ્રકારના ફિલ્મી ગીતોના બદલે માત્રને માત્ર માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન - અર્વાચીન સ્તુતિઓ, દુહા - છંદની રમઝટ જામશે : ૧લી સપ્ટેમ્બરથી ફોર્મ વિતરણ શરૂ

રાજકોટ, તા. ૧૨ : રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા સતત પાંચમા વર્ષે લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા.૨૯-૯ થી તા.૮-૧૦ સુધી 'અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ'નું ભવ્ય આયોજન કરાયુ છે. આ મેગા આયોજનની માહિતી આપતા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સંયોજક અને રઘુવંશના યુવાન, મિતેશ રૂપારેલીયા અને સાથી ટીમ જણાવે છે કે દશ દિવસ દરમિયાન યોજાનાર આ ભવ્ય મહોત્સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારિક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાયેલ આ આયોજન એટલે રાજકોટનું એક નવુ નવરાત્રી આયોજન કે જેમાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સર્વે હોદ્દેદારો તેમજ હજારો ખેલૈયાઓ પરીવાર સાથે અત્યંત પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં ઝુમશે. મા આદ્યશકિતની આરાધના સૌ સાથે મળી કરશે.

નવરાત્રીના પવિત્ર દિવસોમાં જગત જનનીની આરાધના માટે માત્ર લોહાણા સમાજ માટે યોજાયેલા શાનદાર મહોત્સવના દરરોજના ફાઈનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્સ તથા પ્રિન્સેસનો નિર્ણય જાનદાર ખેલૈયાઓ વચ્ચેની તંદુરસ્ત સ્પર્ધા બાદ કરાશે. અનેક રાઉન્ડના અંતે મોડી રાત્રી સુધી યોજાનારા આ કસાકસીભરી સ્પર્ધા માં, એ - ગ્રુપ (યુવાનો માટે) અને બી - ગ્રુપ (બાળકો માટે), સી - ગ્રુપ (સીનીયર સીટીઝન માટે) ને તટસ્થ, અનુભવી અને નિષ્ણાંત નિર્ણાયકોની પેનલના નિર્ણય મુજબ વિજેતા ઘોષિત કરાશે. મેગા ફાઈનલમાં વિજેતા બનેલા બેસ્ટ ઓફ ધી બેસ્ટ પ્રિન્સ - પ્રિન્સેસને લાખેણા ઈનામોથી નવાજાશે. આ મહોત્સવને રેડીયો પાર્ટનર તરીકે જાણીતુ એફ.એમ. જોડાનાર છે.

આ રાસોત્સવમાં દરરોજ કોઈપણ પ્રકારના ફિલ્મી ગીતોને બદલે માત્ર ને માત્ર માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન - અર્વાચીન સ્તુતિઓ, દુહા - છંદની રમઝટ બોલાવવામાં આવશે. દરેક નોરતે 'જય આદ્યશકિત' જાણીતા ભકિતપદથી રાસોત્સવના મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સૂર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો, સીંગર જીજ્ઞેશ સોની, કમલભાઈ અનોવાડીયા, એન્કર તરીકે હર્ષલ માંકડ અને વૈશ્વિક ખ્યાતનામ ઓરકેસ્ટ્રા જીલ એન્ટરટેઈનમેન્ટ, તેજસ શીશાંગીયા, સુનિલભાઈ રાદડીયા (પેરેમાઉન્ટ સાઉન્ડ) સહિતના સંગીતકાર એરેન્જરના સથવારે સમગ્ર દેશના વિવિધ રાજયોના લોકગીતો પર ભજન, રાસ પર આધારીત ભકિતપદોને સથવારે ઈન્ટરનેશનલ ફેઈમ કલાકારોના ગ્રુપ સાથે ઓરકેસ્ટ્રા તેમજ રસાળ એન્કરીંગ તેમજ ઢોલમાં ખાસ બહારથી આવેલ કલાકારો ધૂમ મચાવશે. અમે રઘુવંશીના છોરા રે, ડાકલા વાગ્યા, ભલા મોરી રામા, ભાઈ ભાઈ, મા પાવા તે ગઢથી ઉતર્યા રે લોલ ગીતોના સથવારે દરરોજ હજારો ખેલૈયાઓ ભાવવિભોર બનીને ઝુમશે.

રઘુવંશી રાસોત્સવમાં અત્યાધુનિક ૧ લાખ વોલ્ટની ડીઝીટલ સાઉન્ડ સિસ્ટમ્સ, સાઉન્ડ પેરેમાઉન્ટ, સુનિલભાઈ રાદડીયાની રાખવામાં આવી છે. વોર્ટેક સ્પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઈંગ સિસ્ટમના સથવારે ધૂમ મચાવશે. સમગ્ર પરીસરને ભવાની સિકયુરીટીના અભિમન્યુસિંહ જાડેજા અને તેમના બાઉન્સરો સુરક્ષા કવચ પૂરૂ પાડશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘરે બેઠા આ મહોત્સવને લાખો દર્શકો નિહાળી શકે તે માટે જાણીતી ચેનલ દ્વારા રાસોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

'અકિલા-રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવ'ના ફોર્મ વિતરણનો શુભારંભ તા.૧-૯-૧૯ના રોજથી કરવામાં આવશે. સમગ્ર આયોજન અંગે રઘુકુળ યુવા ગ્રુપના મિતેશ રૂપારેલીયાના નેતૃત્વમાં આયોજક ટીમના ૨૫૦થી પણ વધુ સ્વયંસેવકોની ટીમ સમગ્ર આયોજનને ક્ષતિશુન્ય બનાવવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહ્યા છે. વધુ વિગતો માટે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(3:42 pm IST)