રાજકોટ
News of Saturday, 27th July 2019

પ્રવિણભાઈની કલમે માત્ર મનોરંજન નહી, માહિતી પ્રદાન કરી

''કચ્છમિત્ર''માં ૫૬ વર્ષથી ફિલ્મી કટાર લખતા પ્રવિણભાઈ ઠકકરના પુસ્તક ''શ્યામ શ્વેત સિનેયુગ તારિકાઓ''નું વિમોચનઃ અમારા પિતાશ્રી વાલજીભાઈ ઠકકર ગાંધીજીના અનુયાયી હતાઃ નવીનભાઈ ઠકકરઃ પ્રવીણભાઈ ઠકકરની વિશાળ લાયબ્રેરીનાં સંગ્રહ તથા લેખોને ડિજીટલાઈઝ કરીને ભાવી પેઢી માટે વારસો આપવા અનુરોધઃ અખબારમાં સતત ૫૬ વર્ષથી 'કોલમ'લખવીએ અભૂતપૂર્વ છે અને સિધ્ધિ સમાન છેઃ દામજીભાઈ એન્કરવાળા (અધ્યક્ષ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ)

રાજકોટઃ આપણું ફિલ્મજગત સીમાડા તોડી ભારતને બહાર લઈ જાય છે એ રીતે આપણે વિશ્વનાં સાંસ્કૃતિક જગત ઉપર મીઠું આક્રમણ કર્યું છે. સિનેમાનાં પાયાથી લઈને આજની ઉંચાઈ પરનાં દરેક તબકકે ગુજરાતીઓનું પ્રદાન હોવા છતાં તેની જાણ આજે બહુ ઓછા લોકોને છે. ગુજરાતીઓમાં આ પ્રદાનને દસ્તાવેજીરૂપે બહાર લાવવાની જરૂર છે એમ સિનેમાજગતનાં પ્રખ્યાત દિગ્દર્શક, લેખક, કવિ સંજય છેલે 'કચ્છમિત્ર'માં છે્લ્લા ૫૬ વર્ષથી કટાર લેખક રહેલા પ્રવિણભાઈ ઠકકરનું પુસ્તક 'શ્યામ શ્વેત સિનેયુગની તારિકાઓ'નાં વિમોચન પ્રસંગે પ્રવચન આપતાં જણાવ્યું હતું.

''સૌરાષ્ટ્ર ટ્રસ્ટ''નાં (કચ્છમિત્ર, ફૂલછાબ તથા જન્મભૂમિ) અધ્યક્ષ અને જાણીતા દાનવીર દામજીભાઈ એન્કરવાળાએ પ્રવિણભાઈની કટારે કચ્છીજનોને ફિલ્મીજગતથી જોડી રાખ્યાનું કહીને જણાવ્યું હતું કે સતત ૫૬ વર્ષથી કટાર લેખક પ્રવિણભાઈએ 'કચ્છમિત્ર'નું ગૌરવ વધાર્યું છે અને અખબારી જગતમાં તે અભૂતપુર્વ છે. ''જન્મભૂમિ''નાં મુખ્ય તંત્રી અને પીઢ પત્રકાર કુંદનભાઈ વ્યાસે પ્રવિણભાઈની સિધ્ધિને વધાવતા કહ્યું હતું કે પ્રવિણભાઈની કલમે માત્ર મનોરંજન જ નહિ, માહિતી પણ પ્રદાન કરી છે. ''કચ્છમિત્ર''નાં પૂર્વતંત્રી કીર્તિભાઈ ખત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે પુસ્તક વિમોચન કાર્યક્રમએ પ્રવિણભાઈનાં કાર્યને પોંખવાનો અવસર છે. ''કચ્છમિત્ર''નાં તંત્રી દિપકભાઈ માંકડે કહ્યું હતું કે પ્રવિણભાઈએ વિવાદોથી પર રહીને ભાષા પરનું પ્રભુત્વ સાબિત કર્યું છે. ૫૬ વર્ષની મંઝીલમાં પ્રવિણભાઈએ ૩૦૦૦ લેખો લખ્યા છે જે એક સિધ્ધિ સમાન છે. સુભાષ છેડા, શૈલેશ કંસારા તથા સુરેશ શાહે પ્રાસંગિક પ્રવચનો કરેલ. આ તબકકે ''સૌરાષ્ટ્ર ટ્રસ્ટ''નાં ચેરમેન દામજીભાઈ એન્કરવાળા અને જન્મભૂમિનાં મુખ્ય તંત્રી કુંદનભાઈ વ્યાસે ''સૌરાષ્ટ્ર ટ્રસ્ટ'' વતીથી પ્રવિણભાઈને શાલ ઓઢાળી સન્માનપત્ર એનાયત કરેલ.

રાજકોટ કેળવણી મંડળનાં ઉપપ્રમુખ નવીનભાઈ ઠકકરે (મો.૯૮૯૮૩ ૪૫૮૦૦) પોતાનાં મોટાભાઈ પ્રવિણભાઈ વિષે જણાવ્યું હતું કે ૫૬ વર્ષની પ્રવિણભાઈની સર્જનયાત્રાનાં અમો સાક્ષી છીએ. કચ્છમાં ભૂકંપ, યુધ્ધ અને જળહોનારત થઈ હતી. ત્યારે પણ પ્રવિણભાઈ એક પણ હપ્તો ચૂકયા નથી. આજે પણ ૮૧ વર્ષની વયે 'કચ્છમિત્ર'ની શુક્રવાર તથા રવિવારની પૂર્તિ તેઓ લેખો લખે છે. 'Blitz' અંગ્રેજી અખબારમાં ખ્વાજા અહમદ અબ્બાસે ૫૧ વર્ષ સુધી ''Last Page'' કોલમ લખી હતી અને 'ઈલેસ્ટ્રેડ વિકલી'માં ખુશવંતસિંહે પણ ૫૦ વર્ષ સુધી કોલમ લખી હતી. અમારા પિતાશ્રી વાલજીભાઈ ઠકકર ગાંધીજીનાં અનુયાયી હતા અને સ્વાતંત્ર્યની લડતમાં સહભાગી હતા. અમારા 'બા' (ઉ.વ.૧૦૩ વર્ષ)ની છત્રછાયા નીચે સમગ્ર ઠકકર પરિવાર સુખી છે, તેનું ગૌરવ છે. પુસ્તકની પ્રેરણા કચ્છનાં અગ્રણી પ્રવિણભાઈ શાહે આપી હતી અને બુક પ્રકાશનની જવાબદારી રાજકોટનાં માધવભાઈ જશાપરાએ લીધી હતી તેની નોંધ લેતાં આભાર વ્યકત કરેલ.

કાર્યક્રમનું સફળ સંચાલન ડો.અલ્પા ઠકકરે તથા ડો.કિશોર લાખાણીએ કર્યું હતું અને આભારદર્શન ઘનશ્યામ ઠકકરે કરેલ.

(11:59 am IST)