રાજકોટ
News of Wednesday, 15th May 2019

સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શનિવારી બજારનો વિરોધ

પ૦ ફુટ રોડ વિસ્તારમાં આવેલા એક ડઝનથી વધુ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા મેયરને આવેદન પત્ર પાઠવી શનિવારી બંધ કરાવવા માંગ ઉઠાવી

રાજકોટ તા. ૧પ :.. શહેરનાં કાલાવડ રોડ પર ભરાતી શનીવારી બજાર બંધ થયા બાદ હવે સ્પીડવેલ પાર્ટી પ્લોટ અંબિકા ટાઉનશીપનાં નવા બ્રીજવાળા પ૦ ફુટ રોડ વિસ્તારમાં ભરાતી શનીવારી બજાર બંધ કરાવવા આ વિસ્તારનાં એક ડઝનથી વધુ એપાર્ટમેન્ટનાં રહેવાસીઓ દ્વારા મેયર સહિતનાં પદાધિકારીઓને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જે અંગે યોગ્ય કાર્યવાહી કરાવવા મેયર બીનાબેન આચાર્યએ ખાત્રી આપી હતી.

આ અંગે આવેદન પત્રમાં જણાવાયુ છે કે સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ પ૦ ફુટના રોડ ઉપર ગત તારીખ ૧૧ ને શનિવારના રોજ શનીવારી બજારવાળા પોતાના પાથરણા પાથરી રોડ ઉપર શનિવારી બજાર ગેરકાયદેસર ચાલુ કરી દીધેલ છે. આ શનિવારી બજાર જયા ભરાય છે ત્યાં ગોલકોઇન એપાર્ટમેન્ટ, કોસ્મોપ્લેક્ષ એપાર્ટમેન્ટ, સાંનિધ્ય એપાર્ટમેન્ટ, મારૂતી એપાર્ટમેન્ટ, શ્રી વલ્લભ એપાર્ટમેન્ટ, બ્લુબર્ડ, એપાર્ટમેન્ટ, શ્રીદર્શન એપાર્ટમેન્ટ, ફોનીકસ એપાર્ટમેન્ટ, સાંનિધ્યર પ૪ એપાર્ટમેન્ટ, સાંનિધ્યગ્રીન એપાર્ટમેન્ટ, ફ્રેન્ડસ એપાર્ટમેન્ટ, શાંતીવન પરીસર, ફોરમ એપાર્ટમેન્ટ, પ્રેયસ એપાર્ટમેન્ટ વિગેરે તેમજ આજુબાજુમાં સોસાયટીઓ આવેલ છે. આ બધા રહેણાંકના વિસ્તારો છે. આ લોકોએ શનીવારી બજાર ભરીને હાલવા ચાલવાનો રસ્તો બંધ કરી દીધેલ હતો.

આ શનિવારી બજાર ને કારણે રસ્તા ઉપર અડચણ ઉભી થતા વાહનો પસાર થઇ શકતા ન હતા અને ટ્રાફીકની સમસ્યા સર્જાયેલ હતી. શનિવારી બજાર જાહેર રસ્તા ઉપર ચાલુ કરતા લતાવાસીઓએ રજૂઆત કરતા તેઓની સાથે શનિવારી બજારવાળા ઝઘડવા લાગેલ આમ શનિવારી બજાર ભરવાને કારણે અમારા વિસ્તારમાં રહેતા લોકોમાં અજંપો, અશાંતિ અને દહેશત અને ભય ફેલાય ગયો છે.

રસ્તા ઉપર બજાર ભરવાને કારણે લતાવાસીઓ સોસાયટી એપાર્ટમેન્ટની અંદર બહાર વાહનો પણ લઇ જઇ શકતા નથી કે બહાર કાઢી શકતા નથી.ત્યારે આ શનિવારી બજારને લીધે બીજા દુષણો ફેલાય જશે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાનો ભય ઉદ્દભવે છ.ે અને વિસ્તારની શાંતિ છિનવાઇ શે માટે આ ગેરકાયદેસર શનિવારી બજાર બંધ કરવા તાકીદે પગલા ભરવા તેમજ પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલીક સ્થળાંતર કરવા માંગે છે.

આ રજુઆતમાં ધીરૂભાઇ કણસાગરા, મહેન્દ્રભાઇ હિંગરાજીયા, હિરેનભાઇ સાદીરયા,  મુુકેશભાઇ વડારીયા, વિપુલભાઇ બોકરવાડીયા, હિતેષભાઇ વિરોજા, સંદિપભાઇ વાછાણી, સંદિપભાઇ, અશ્વિનભાઇ, વિઠ્ઠલભાઇ સભાયા, સંજયભાઇ પટેલ, વગેરે સહીત સેંકડો રહેવાસીઓ જોડાયા હતા.

(3:44 pm IST)