રાજકોટ
News of Thursday, 14th March 2019

ધૂળેટી તહેવારમાં શું-શું ન કરવું...? જાહેરનામુ બહાર પાડતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

જાહેરમાં પસાર થતાં રાહદારીઓ પર કોઇપણ જાતના રંગ,કાદવ, તૈલી પદાર્થો ફેંકવા નહિઃ રસ્‍તાઓ પર દોડવું નહિ, કોમી લાગણી દુભાય તેવું વર્તન ન કરવું: ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્ક ન કરવા

રાજકોટ તા. ૧૪: આગામી તા. ૨૦-૨૧ના હોળી-ધૂળેટીનો પર્વ હોઇ આ પર્વની શાંતિપૂર્વક રીતે ઉજવણી થાય તે હેતુસર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અત્‍યારથી જ સમગ્ર પોલીસ સ્‍ટાફને સુચનો આપ્‍યા છે. તેમજ જાહેર જનતાએ પણ ધૂળેટી પર્વમાં શું-શું ન કરવું તે માટેના નિયમો જાહેર કરી આ અંગે જાહેરનામુ બહાર પાડયું છે. આ જાહેરનામાનો ભંગ કરનારા સામે આઇપીસી ૧૮૮, ૧૩૫ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં રાહદારીઓ પર રંગ ન ઉડાડવા, રંગ મિશ્રીત પાણી, કાદવ, તૈલી પદાર્થો ફેંકવા નહિ તેમજ કોમી લાગણી દુભાય તેવું વર્તન કરવું નહિ અને કોઇને પણ હાની થાય તેવી કોઇ પ્રવૃતિ કરવી નહિ તેમજ ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહનો રાખવા નહિ, તે સહિતના સુચનો કરવામાં આવ્‍યા છે.

જાહેરનામામાં જણાવાયું છે કે હોળી-ધુળેટીના પર્વમાં કોઇપણસ્ત્રી-પુરૂષો-બાળકોએ જાહેરમાં રસ્‍તા પર આવતા-જતાં લોકો પર કોરા રંગ, પાવડર, કાદવ, રંગ મિશ્રીત પાણી કે તૈલી પદાર્થો ફેંકવા નહિ. આ માટેના સાધનો પણ પોતાની સાથે લઇજવા નહિ. તેમજ રસ્‍તાઓ પર દોડાદોડી ન કરવી અને કોમી લાગણી દુભાય તેવું વર્તન કરવું નહિ. ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને કોઇને અડચણ થાય તે રીતે વાહનો પાર્ક કરવા નહિ. આ હુકમનો ભંગ કરનારા સામે આઇપીસી ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ હેઠળ શિક્ષાત્‍મક પગલા લેવામાં આવશે.

(4:29 pm IST)