રાજકોટ
News of Thursday, 14th March 2019

કેમીસ્ટ એસો. રાજકોટની સાધારણ સભા રવિવારે

''સમૃદ્ધિ ૨૦૧૯'' કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વમુનિ મહારાજનું જીવનોપયોગી પ્રવચન યોજાશે. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ની ટર્મ માટે ચૂંટણી પ્રક્રિયાની પણ જાહેરાત થશે . અલગ-અલગ ૧૩ જેટલા એજન્ડા સંદર્ભે પ્રમુખ-સેક્રેટરી તથા ટીમ દ્વારા તડામાર તૈયારી

રાજકોટ તા.૧૪: કેમીસ્ટ એસોસીએશન રાજકોટ દ્વારા તા. ૧૭-૩-૨૦૧૯, રવિવારના રોજ સવારે ૯.૩૦ વાગ્યે ધી પેરેડાઇઝ પેલેસ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

''સમૃદ્ધિ ૨૦૧૯''ના શિર્ષક હેઠળ અલગ-અલગ ૧૩(તેર) જેટલા એજન્ડા સંદર્ભે યોજાનાર આ સાધારણ સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી અપૂર્વમુની મહારાજનું પ્રેમ, પરિવાર, પૈસા, પ્રમાણિકતા અને પ્રતિષ્ઠા વિષયે જીવનોપયોગી પ્રવચન યોજાનાર છે.

સાથે-સાથે કેમીસ્ટ એસો. રાજકોટની હાલની કારોબારી-બોડીની ત્રણ વર્ષની મુદત પુરી થતી હોય, ૨૦૧૯ થી ૨૦૨૨ની નવી ટર્મ માટેના હોદ્દેદારો-કારોબારીની ખરા અર્થમાં પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત થનાર હોવાનું પણ સંસ્થાના મંત્રી અનિમેષભાઇ દેસાઇએ આજરોજ અકિલાને જણાવ્યું હતું. ઉપરાંત સંસ્થાના હાલના સફળ પ્રમુખ મયૂરસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ થયેલ છેલ્લા ત્રણ વર્ષો દરમ્યાનની વિકાસયાત્રા પણ વર્ણવવામાં આવશે તેવું જણાવાયું છે.

માહિતી અને ટેકનોલોજીના આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં 'રાજકોટ લાઇવ' સંદર્ભે દવાના ધંધાર્થીઓની નવી -મોર્ડન જીવનશૈલી ઉપર પણ પ્રકાશ પાડવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત ઓનલાઇન ફાર્મસી, જી.એસ.ટી.ના કાયદામાં થયેલ ફેરફાર વિશે પણ વિસ્તૃત અને ઉપયોગી ચર્ચા કરવામાં આવનાર છે. પ્રતાપભાઇ દોશી (પ્રતાપકાકા) તથા પ્રદિપભાઇ ત્રિવેદીના  ઉદ્દબોધનનો પણ એજન્ડામાં ઉલ્લેખ થયેલ છે. સંસ્થા તરફથી પેઢી દીઠ એક વ્યકિતને આકર્ષક ગીફટ પણ અપાનાર હોવાનું જણાવાયું છે.

આમ અલગ-અલગ ૧૩ જેટલા એજન્ડા ધરાવતા સાધારણ સભાના રૂપમાં યોજાયેલ 'સમૃદ્ધિ ૨૦૧૯' શીર્ષક હેઠળના મેરેથોન કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા સંસ્થાના પ્રમુખ મયૂરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇ અને તેઓની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

(3:43 pm IST)