રાજકોટ
News of Thursday, 14th March 2019

શિવનગરમાં પ્રભાતસિંહ જાડેજાના બંધ મકાનમાં ૭૩ હજારની ચોરી

ક્ષત્રિય વૃધ્ધના નાનાભાઇનું અવસાન થતાં તેઓ પરિવારજનો સાથે વીરપરડા ગામે રોકાયા હતાં અને પાછળથી રેઢા મકાનમાં તસ્કરો પગલા પાડી ગયા

રાજકોટ તા. ૧૪: ગોંડલ રોડ રાજર્ષી બજાજના શો રૂમ પાછળ વિરલ સોસાયટી પાછળ શિવનગર-૧૧માં રહેતાં અને ગોંડલ રોડ પર નક્ષત્ર કોમ્પલેક્ષમાં એટીએસ સિકયુરીટીમાં ગાર્ડ તરીકે નોકરી કરતાં પ્રભાતસિંહ અણદુભા જાડેજા (ઉ.૬૩)ના  બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂ. ૭૩,૫૦૦ની મત્તા ચોરી જતાં માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રભાતસિંહ જાડેજાએ માલવીયાનગર પોલીસને જણાવ્યું હતું કે તેમના નાના ભાઇ ઘનશ્યામસિંહ અણદુભા જાડેજા (ઉ.૫૬) કે જે મોરબીના વિરપરડા ગામે રહે છે ત્યાં તેમનું તા. ૪/૬/૧૩ના રોજ અવસાન થઇ જતાં પોતે તથા પરિવારના સભ્યો વિરપરડા ગયા હતાં અને ત્યાં જ રોકાયા હતાં. પાછળથી તેમના રેઢા ઘરનું ધ્યાન ગીતાનગર-૬માં રહેતાં દિકરી વૈશાલીબા યુવરાજસિંહ ચુડાસમા  અને જમાઇ યુવરાજસિંહ રાખતાં હતાં. એ પછી ૧૧મીએ દિકરી-જમાઇ પણ પાણીઢોળ વિધીમાં વિરપરડા ગયા હતાં. ત્યાંથી એ દિવસે સાંજે જ બંને પરત રાજકોટ આવવા નીકળ્યા હતાં અને સીધા પોતાના ગીતાનગરના ઘરે ગયા હતાં.

બારમી તારીખે યુવરાજસિંહ સસરાના શિવનગરના ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં ચોરી થયાની ખબર પડી હતી. જેથી તેમણે સસરાને ફોનથી જાણ કરી હતી. તેઓએ આવીને તપાસ કરતાં ઘરમાંથી તસ્કરો કબાટ-તિજોરી તોડી રૂ. ૧૧ હજાર રોકડા તથા સોનાના દાગીના મળી કુલ રૂ. ૭૩,૫૦૦ની મત્તા ચોરી ગયાની ખબર પડી હતી. પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:32 pm IST)