રાજકોટ
News of Thursday, 14th March 2019

બીલ કોસ્મેટિક ચીજવસ્તુઓનું હતું... પાર્સલો ખોલતાં નીકળી રમ-વોડકા-વ્હીસ્કીની બોટલો

ક્રાઇમ બ્રાંચના ચેતનસિંહ, સામતભાઇ, વિરદેવસિંહ અને ઇન્દ્રજીતસિંહની બાતમી પરથી જામનગર રોડ પરથી છકડો પકડાયોઃ ૩૭,૨૦૦નો દારૂ મળ્યો

રાજકોટ તા. ૧૪: ચૂંટણીની તારીખો જાહેર થઇ જતાં અને હોળી-ધૂળેટી પર્વ નજીક હોઇ શહેર પોલીસ કમિશનરે દારૂના વધુને વધુ કેસ શોધી કાઢવા આપેલી સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમે રૂ. ૩૭,૨૦૦ના વિદેશી દારૂ સાથે છકડો રિક્ષા પકડી લઇ કુલ રૂ. ૮૭,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી છકડો ચાલક જીલુ ભાણાભાઇ ખાચર (કાઠી) (ઉ.૬૨-રહે. પુનિતનગર-૬)ની ધરપકડ કરી છે. આ વૃધ્ધ પાસે જે બીલ હતું તેમાં કોસ્મેટીક ચીજવસ્તુઓની નોંધ હતી. પણ પાર્સલો ખોલતાં દારૂ-બીયર-વોડકાનો જથ્થો નીકળ્યો હતો.

હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, સામતભાઇ ગઢવી, કોન્સ. વિરદેવસિંહ જાડેજા અને ઇન્દ્રજીતસિંહ ગોહિલને મળેલી બાતમી પરથી જીજે૩બીટી-૬૦૨૮ નંબરની છકડોને જામનગર રોડ પર વોચ રાખી પકડી લેવાઇ હતી. જેમાં તપાસ કરતાં ઓલ્ડ મોન્ક રમ, વોડકા, એઇટ પીએમ સહિતની બ્રાનડની દારૂની બોટલો અને બીયરના ૭૨ ટીન મળી ૩૭૨૦૦નો દારૂ-બીયર મળતાં કબ્જેક રી રિક્ષા પણ જપ્ત કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની રાહબરી અને પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના અંતર્ગત પીએસઆઇ એચ. બી. ત્રિવેદી, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સામતભાઇ ગઢવી, અભીજીતસિંહ જાડેજા, કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, વિરદેવસિંહ જાડેજા, ડાયાભાઇ બાવળીયા સહિતે આ કામગીરી કરી હતી.

પોલીસે જે પાર્સલ પકડ્યા તેમાં કોસ્મેટિકની ચીજવસ્તુઓ હોવાનું બીલ છકડો ચાલક પાસેથી મળ્યું હતું. જો કે તપાસ થતાં અંદરથી દારૂની બોટલો નીકળી હતી.

(3:31 pm IST)