રાજકોટ
News of Thursday, 14th March 2019

પડધરી પંથકના હત્યાની કોશિષના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રામપર ગામમાં રહેતા ભરતભાઇ રાજાભાઇ ટીંબડીયા ઉપર મૃત્યુ નિપજાવવાની કૌશીષ કરનાર આરોપીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુકત કરતો હુકમ ફરમાવેલ હતો.

સમગ્ર કેસની હકિકત જોઇએ તો રામપર ગામમાં ઉપરોકત જણાવેલ ફરીયાદી તેમના ગામમાં રહેતા રમેશભાઇ ધનજીભાઇ ટીંબડીયા પાનની દુકાને બેઠેલ હોય તે સમયે જેન્તીભાઇ પરસોતમભાઇ ભોજાણી ત્યાં આવી ને તેમની સાથે ઝપાઝપી કરી કાઠલો પકડેલ અને તે સમયે ભરતભાઇના ઓળખીતા દિલીપભાઇ તથા નંદલાલભાઇ તથા હિતેષભાઇ ત્યાં હાજર હોય જેથી તેમને છૂટા પાડેલ અને ભરતભાઇને પોતાના ઘરે જવા માટે જણાવેલ.

ભરતભાઇ પોતાના ઘરે જતા હોય તે દરમ્યાન મેલડી માતાજીના મંદિર પાસે આ જેન્તીભાઇ તેમની ઇકો ગાડીમાં ફુલઝડપે આવી ભરતભાઇને પાછળથી કાર ભટકાડી દેતા ઇકો કારને ભરતભાઇની ઉપર આવી જાય તે મુજબનો અકસ્માત કરતા માણસો હાજર થઇ જતા જેન્તીભાઇ ત્યાંથી નાસી ભાગી ગયેલ. જેથી ભરતભાઇ પડધરી પોલીસ સ્ટેશનમાં જેન્તીભાઇ વિરૂધ્ધ આઇ. પી. સી. કલમ ૩૦૭, ૩ર૩, ૩રપ તથા પ૦૪ મુજબની ફરીયાદ નોંધાવેલ.

ફરીયાદ અનુસાર પડધરી પોલીસ સ્ટેશને ઘણા સમય બાદ આરોપીની અટક થયેલ જે અનુસંધાને આરોપીએ તેમના એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી મારફત રાજકોટની કોર્ટમાં જામીન ઉપર મુકત થવાની અરજી કરેલ. જે અરજી અનુસંધાને કોર્ટે બન્ને એડવોકેટની રજૂઆતો ધ્યાને લેતા તથા પોલીસ પેપર્સ ધ્યાને લેતા આરોપીના એડવોકેટની રજૂઆતો ને માન્ય રાખીને આરોપી જેન્તીભાઇ પરસોતમભાઇ ભોજાણીને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી જેન્તીભાઇ પરસોતમભાઇ ભોજાણી વતી રાજકોટના જાણીતા યુવા એડવોકેટ શ્રી દુર્ગેશ જી. ધનકાણી, વિવેક વરસડા, વિજય સી. સીતાપરા રોકાયેલ હતાં.

(3:29 pm IST)