રાજકોટ
News of Thursday, 8th November 2018

લોહાનગરમાં ઘર પાસે મોટા અવાજવાળા ફટાકડા ફોડવા મામલે ડખ્ખોઃ દેવીપૂજકના ટોળાનો કોળી પ્રોૈઢ અને પડોશીઓ પર હુમલોઃ ઘરમાં તોડફોડ

એ-ડિવીઝન પોલીસે મામલો થાળે પાડ્યોઃ રાયોટીંગનો ગુનો નોંધાયો

રાજકોટઃ લોહાનગરમાં દિવાળીની રાત્રે ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે કોળી પરિવાર પર દેવીપૂજક શખ્સોના ટોળાએ સશસ્ત્ર હુમલો કરી તેમજ પથ્થરમારો કરતાં નાશભાગ મચી ગઇ હતી. એ-ડિવીઝન પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે લોહાનગરમાં રહેતાં રામજીભાઇ જીવાભાઇ ડાભી (ઉ.૫૫) નામના કોળી પ્રોૈઢની ફરિયાદ પરથી ઇશા દેવીપૂજક, તેનો દિકરો લાખો, તેનો જમાઇ રમેશ, વિજય રામદાસ દેવીપૂજક, વિજયનો બનેવ રામલો, પ્રભા રામલો, વિજયનો દિકરો મહેશ, ભાવશા ઇશા વઢીયારા, તથા ચાર પાંચ બીજા અજાણ્યા શખ્સો સામે રાયોટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

રામજીભાઇના કહેવા મુજબ દિવાળીની રાત્રે પોતે તથા ઘરના છોકરાઓ અને અડોશી પડોશી ઘર બહાર બેસી ફટાકડા ફોડતા હતાં ત્યારે પડોશી દેવીપૂજક શખ્સ ઇશા અને તેના દિકરા લાખા તથા જમાઇ સહિતનાએ ઘર પાસે મોટા અવાજવાળા ફટાડકા ફોડવાનું ચાલુ કરતાં તેને દૂર ફોડવાનું કહેતાં આ બધા ઉશ્કેરાઇ ગયા હતાં અને પાઇપ, ધોકા, છરીથી હુમલો કરી પોતાને ઇજા પહોંચાડી હતી. તેમજ પોતાને બચાવવા વચ્ચે આવેલા પડોશી જયાબેન, હેમાલીબેન સહિતને પણ ઇજા થઇ હતી. આ લોકોએ પથ્થરમારો પણ કર્યોહ તો અને ઘરમાં તોડફોડ પણ કરી આતંક મચાવ્યો હતો.

પીઆઇ એન. કે. જાડેજા, પી.એસ.આઇ. વી. એમ. ડોડીયા અને ટીમે મામલો થાળે પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:50 am IST)