રાજકોટ
News of Thursday, 8th November 2018

મ્યુ. કોર્પોરેશનથી વધુ એક અધિકારી ત્રાહીમામઃ રાજીનામુ

તાજેતરમાં પી.એચ.ડી થયેલ અને સ્માર્ટ સીટીનો હવાલો સંભાળતા સીટી ઇજનેરે કોર્પોરેશનને ગુડ બાય કહ્યુ

રાજકોટ, તા.૭: મ્યુ. કોર્પોરેશનમાં જાહેર વ્યવસ્થા અંગેની વહીવટી કામગીરી થતી હોય લોકપ્રશ્નો મામલે અવારનવાર અધિકારીઓ અને નાગરીકો વચ્ચે નાના-મોટા ઘર્ષણો - વિવાદો થતા રહે છે ત્યારે અનેક અધિકારી-ઈજનેરોએ ભૂતકાળમાં કોર્પોરેશનની આ કામગીરીથી કંટાળી અને રાજીનામા મુકી દીધાના દાખલા છે, ત્યારે આ પ્રકારે વધુ ૧ અધિકારીએ  પોતાના રાજીનામુ મુકયુ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશનનાં સીટી ઇજનેરે પોતાનું સ્વૈચ્છીક રાજીનામુ મુકયુ છે. આ અધિકારી તાજેતરમાં પી.એચ.ડીની ડીગ્રી મેળવેલ છે. તેઓ હાલ સ્માર્ટ સીટીનો હવાલો સંભાળી રહ્યા છે.

નોંધનીય છે કે, હજુ થોડા દિવસ પહેલા જ એક આસિ. ઈજનેરે પોતાનું રાજીનામુ આપ્યુ હતું. જેને કમિશ્નરે મંજુર કરી દીધુ હતું. આ ઉપરાંત વધુ બે ઈજનેરોના રાજીનામા પણ પેન્ડીંગ છે. આમ મ્યુ. કોર્પોરેશનમાં આ પ્રકારે ધડાધડ રાજીનામાઓ પડવા લાગતા રાજકોટ કોર્પોરેશનની આબરૂએ ધક્કો પહોંચી રહ્યાનું પણ ચર્ચાય રહ્યુ છે

(2:55 pm IST)