રાજકોટ
News of Thursday, 12th July 2018

રાજકોટમાં ૩૦,૦૦૦ રખડતા કૂતરાઃ કોર્પોરેશન દ્વારા દત્તક લેવા માટે પ્રોત્સાહન અપાશેઃ રાજકોટ રાજ્યનું પ્રથમ કોર્પોરેશન બન્યું જેણે આ પ્રકારની પોલિસી શરૂ કરી

રાજકોટઃ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાઓના ત્રાસમાંથી શહેરીજનોને બચાવવા માટે નવી પોલિસી શરૂ કરી છે. જેમાં શહેરીજનો આવા રખડતા કૂતરાઓને દત્તક લઇ શકશે.

રખડતાં કૂતરાંઓના ત્રાસ સામે ઝઝૂમી રહેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને (RMC) સમસ્યાનો ઉકેલ લાવવાનો ઉમદા માર્ગ શોધી કાઢ્યો છે. કોર્પોરેશન પશુપ્રેમીઓને રખડતાં કૂતરાઓને દત્તક લેવા માટે પ્રોત્સાહન આપશે અને સમગ્ર પ્રક્રિયાની નોંધણી પણ થશે. સાથે જ કૂતરાઓને દત્તક આપતાં પહેલા તેમની મફતમાં સારવાર અને રસીકરણ પણ થશે. RMCની એનિમલ બર્થ કંટ્રોલ કમિટીની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દાવો કરાઈ રહ્યો છે કોઈ પણ નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા આ લેવાયેલું આ પ્રકારનું પ્રથમ પગલું છે.

સત્તાવાર આંકડા પ્રમાણે, રાજકોટના 55 લોકોને રખડતાં કૂતરાં કરડ્યા છે. જો કે છેલ્લા 6 વર્ષથી આ આંકડામાં ઘટાડો થઈ રહ્યો છે, તેમ છતાં કૂતરાઓની વસ્તી નિયંત્રણના પ્રયાસ નિષ્ફળ ગયા છે. શહેરમાં આશરે 30,000 જેટલાં રખડતાં કૂતરા છે. શહેરના જે નાગરિકો દ્વારા કૂતરાને દત્તક લેવા છે તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. RMCની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોર્પોરેશન દ્વારા આ તમામનો રેકોર્ડ રાખવામાં આવશે અને કૂતરાંની કાળજી લેવાનું સંપૂર્ણ કાર્ય દત્તક લેનાર વ્યક્તિનું રહેશે.

RMCના એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના વેટરિનરી ઓફિસર ડોક્ટર બી.આર. જક્સણિયાએ જણાવ્યું કે, “કૂતરાઓની વસ્તી ઝડપથી વધી રહી છે અને સંપૂર્ણ વંધ્યીકરણ શક્ય નથી. કેટલાક લોકો કૂતરાઓને ખવડાવતાં હોય છે અને તેની સામે અમુક લોકોને વાંધો હોય છે, જેના કારણે અંટસ ઊભી થાય છે. RMC રાજ્યનું પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન છે જેણે આ પ્રકારની પોલિસી શરૂ કરી છે.

રાજકોટ એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેંદ્ર શાહે જણાવ્યું કે, “એવા ઘણા કૂતરાપ્રેમીઓ હશે જે રખડતાં કૂતરાને દત્તક લેવા તૈયાર થશે. અમે પ્રથમવાર આ પ્રકારનો વિચાર અમલમાં મૂક્યો છે. જો આ વિચાર સફળ થશે તો રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ આ પ્રયોગ કરાશે.ડૉ. જક્સણિયાએ કહ્યું કે, “જો થોડા મહિના કે વર્ષો પછી દત્તક લેનાર વ્યક્તિ કૂતરાંને ન રાખવા માગતું હોય તો તે કૂતરાને શેલ્ટર હાઉસમાં મૂકી દેવાશે.

(5:43 pm IST)