રાજકોટ
News of Thursday, 12th July 2018

'નૃત્ય'સંગે ભગવાન નટરાજ-નટવરની ભકિત...જયદા પારેખ, પ્રતિક્ષા છાંટબાર 'કથ્થક'માં પાથરશે કામણ

શ્રીમતી હર્ષાબેન ઠકકર પાસેથી તાલીમબધ્ધ થયા બાદ કાલે મંચ પ્રવેશ, બન્ને નૃત્યાંગનાને અનેરો ઉમંગ-ઉત્સાહ... ભારતીય શાસ્ત્રીય નૃત્યની વિવિધ શૈલીઓ માણી કલાપ્રેમી જનતા પણ કરી ઉઠશે વાહ...વાહ....

રાજકોટ,તા.૧૨: ભારતીય સમાજમાં કલા-કૌશલ્યને અનેરૂ-મોભાદાર સ્થાન અપાયું છે...એમાંયે ભારતીય શાસ્ત્રીય નૃત્યની તો વાત જ નીરાળી છે.ખરેખર કલાને ભગવાનની ભેટ માનવામાં આવે છે.પરંતુ ઉત્સાહ સાથે સાધના વિના કંઇ જ મળતું નથી એ હકિકત છે ત્યારે કઠોર સાધના પૂર્ણ કરી રાજકોટની જ બે નૃત્યાંગના ભગવાન નટરાજ અને નટવરની ભકિત નૃત્યની વિવિધ શૈલીઓ સાથે કરવા અત્યારથી જ ઉત્સુક છે.

કહેવાય છે ને કે, કોઇપણ ક્ષેત્ર કે કલામાં પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ગુરૂ જરૂરી બની જતા હોય છે.ગુરૂ વિના યોગ્ય જ્ઞાન મળતું નથી...એવી જ રીતે કલાગુરૂ શ્રમિતી હર્ષાબેન ઠકકર પાસેથી તાલિમ લઇ  જયદા પારેખ અને પ્રતિક્ષા છાંટબાર પણ કલારૂપ કામણ સાથે જ મંચ પ્રવેશ કરવા જઇ રહી છે.જેમાં આવતી કાલે રાત્રે ૮ થી ૧૧ દરમિયાન હમુ ગઢવી હોલ, ટાગોર રોડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કલાપ્રેમી જનતા સામે ભારતીય શાસ્ત્રીય નૃત્યની વિવિધ શૈલીઓ રજુ કરવા સાથે જ ભગવાન નટરાજ અને નટવરની ભકિતના રંગે રંગાશે...કહેવાય છે કે, વર્તમાન સમયમાં ભારતીય નૃત્ય માણવું ખરેખર લ્હાવારૂપ મનાય છે, તો બન્ને નૃત્યાંગનાની અવનવી શૈલીઓ નિહાળી લોકો જરૂર વાહ...વાહ...કરી ઉઠશે એવો બન્નેના પરિવારજનોને પૂર્ણ વિશ્વાસ છે.

ગુરૂ શ્રીમતી હર્ષાબેન ઠકકર પાસેથી તાલિમ લેનાર જયદા પારેખ સફળતાનો શ્રેય પોતાના ગુરૂદેવ અભિરામદાસજીને આપે છે.સાથે સાથે દાદા સ્વ.કનૈયાલાલ, દાદી ચંદનબેન તથા માતા-પિતા પ્રિતિબેન, રાજીવભાઇ, મોટા બાપુ-ભાભુ સુનિલભાઇ, બિનાબેન અને  બહેન મેઘા  સહિતના પરિવારના તમામ સભ્યોના સાથ-સહકારને પણ સફળતામાં એક રીતે ભાગીદાર જ માની રહી છે.

એવી જ રીતે પ્રતિક્ષા છાંટબારે પણ દાદા-દાદી ભાનુરાય, સરસ્વતીબેન તથા નાના-નાની સ્વ.બચુલાલ, નિર્મલાબેન બોસમીયાના આર્શિવાદ અને માતા-પિતા વિજયભાઇ અને નિલમબેન સહિત તમામ પરિવારજનોના સાથ-સહકારને કારણે જ સફળતા સાંપડી હોવાની ખુશી વ્યકત કરી હતી.

આ અંગે બેંક ઓફ ઇન્ડીયાના ચીફ કેશીયર એવા પ્રતિક્ષાબેનના પિતા વિજયભાઇ છાંટબારે જણાવ્યું હતું કે નાનપણથી ડાન્સમાં રૂચી ધરાવતી પ્રતીક્ષાએ સમય જતા કથ્થકમાં આગળ વધવાની ઇચ્છા દર્શાવતા શહેરમાં જ કથ્થકના કોચીંગ કલાસમાં મોકલાઇ હતી. જયાં ટ્રેનરની કથ્થક નૃત્યની એક જાતની દીક્ષા મેળવવામાં પ્રતિક્ષાએ કોઇ કચાસ રાખી નથી. પ્રતિક્ષાએ ૪ થા ધોરણથી જ કથ્થક નૃત્ય પરત્વે રૂચી દર્શાવી શિક્ષણ મેળવવાનું શરૂ કરી દીધું હતું. ૧૧ વર્ષ પછી  અલંકાર માસ્ટર ડીગ્રી હાંસલ કરી હવે સંપુર્ણ નિપુણતા ભણી આગળ વધી રહી છે. પ્રતિક્ષા કથ્થક નૃત્યમાં ઝળહળતી સિધ્ધી મેળવવાના આશય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીમાં પી.એચ.ડી. કરી રહી છે.

તો આઇ.ઓ.બી.ના જ બેન્કર અને જયદાબેનના પિતા રાજીવભાઇ પારેખે જણાવેલ કે કથ્થક નૃત્યમાં જયદાએ પ્રારંભીક પ્રથમ, દ્વિતીય, પ્રારંભીક મધ્યમ અને પ્રારંભીક  પુર્ણ એમ એક પછી એક સ્ટેપ બખુબીથી પાર કરી છેલ્લા ૧૧ વર્ષ દરમિયાન કથ્થકમાં વિશારદ (બી.એ.) પુર્ણ કર્યુ છે... હવે અલંકાર (માસ્ટર એમ.એ.)ની પરીક્ષા આગામી નવેમ્બરમાં આપશે. તેણી કથ્થકમાં પીએચડી કરવા ઇચ્છુક છે.

અત્રે નોંધનીય છે કે, મંચ પ્રવેશ સમારોહમાં પધન્ત કલાગુરૂ હર્ષાબેન ઠકકર દ્વારા તેમજ સારંગીમાં અકરમખાન, વોઇસ-હાર્મોનિયમમાં સંદિપ વ્યાસ, તબલા-પખાવજમાં જોબી જોય, વોકલ ઉપર વિભાબેન દવે કૌશલ્ય પાથરશે.તો એન્કરીંગ ભાવનાબેન શીંગાળા કરનાર છે.(૭.૨૨)

(4:19 pm IST)