રાજકોટ
News of Thursday, 14th June 2018

તમિલનાડુના યાત્રીનું રાજકોટમાં ચાલુ ટ્રેનમાંથી ગબડી જતાં મોત

એસ્ટ્રોનના નાલા પાસે મોડી રાત્રે બનાવઃ ૭૩ વર્ષિય પીરમલ સ્વામી બીજા ૩૧ લોકો સાથે સોમનાથ દર્શન કરી દ્વારકા જવા નીકળ્યા ને કાળ ભેટી ગયો

રાજકોટ તા. ૧૪: મોડી રાત્રે એસ્ટ્રોનના નાલા પાસે તમિલનાડુના વૃધ્ધ યાત્રીનું ચાલુ ટ્રેનમાંથી પડી જતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ તમિલનાડુના નામક્કલ જલ્લાના વિઠ્ઠલાપુરી ગામે રહેતાં પીરમલ અર્શનારી સ્વામિ (ઉ.૭૩) રાત્રીના ત્રણેક વાગ્યે ટ્રેન એસ્ટ્રોનના નાલા પાસે પહોંચી ત્યારે અચાનક ચાલુ ટ્રેનમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ભકિતનગર રેલ્વે પોલીસ મથકના આઉટ પોસ્ટ જમાદાર હર્ષદભાઇ અને રાઇટર ઘનશ્યામભાઇએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

મૃત્યુ પામનાર વૃધ્ધ અન્ય ૩૧ લોકો સાથે સોૈરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની યાત્રાએ નીકળ્યા હતાં. રાત્રે સોમનાથનથી દ્વારકા જઇ રહ્યા હતાં ત્યારે બાથરૂમમાંથી બહાર નીકળી ટ્રેનના દરવાજા પાસે ઉભા હતાં એ વખતે અચાનક બહાર ફેંકાઇ જતાં આ ઘટના બની હતી. મૃતકને સંતાનમાં બે પુત્રો  છે. તેમને જાણ કરવામાં આવતાં તેઓ રાજકોટ આવવા નીકળી ગયા છે. બનાવથી સાથી યાત્રીઓમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)

 

(10:03 am IST)