રાજકોટ
News of Monday, 4th June 2018

જામનગરના વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં રાજકોટના શખ્સે ૨ કરોડની સોપારી દીધી હોવાનું ખુલ્યું

રાજકોટઃ જામનગરના બહુચર્ચિત કિરીટ જોશી હત્યાકેસમાં નવો ખુલાસો થયો છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પહેલા જ બે આરોપીની મુંબઈથી ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં હવે રાજકોટના એક શખ્સે બે કરોડની સોપારી લીધો હોવાનો ખુલાસો થયો છે. જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેઓ પણ રાજકોટ રોકાય હોવાનો ખુલાસો થયો છે. પોલીસે રાજકોટના શખ્સના મોબાઇલ લોકેશન અને સીસીટીવી સહિતની માહિતીના આધારે તેની ધરપકડ અને કેસમાં વધુ તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

જામનગર શહેરના બહુચર્ચિત હત્યા કેસનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 14મી મેના રોજ મુંબઈથી બે આરોપીની ધરપકડ કરી હતી. મળેલી રહેલી માહિતી પ્રમાણે જયેશ પટેલે સોપારી આપીને કિરીટ જોષીની હત્યા કરાવી હતી. જયેશ પટેલ અને કિરીટ જોશી વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. નોંધનીય છે કે કિરીટ જોશી જામનગરના બહુચર્ચિત રૂ. 100 કરોડના જમીન કૌભાંડમાં વકીલ હતા.

હત્યા અંગે કિરીટભાઈના નાના ભાઈ અશોકભાઈ જોશીએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું હતું કે કિરીટભાઈ ભૂમાફિયા સામે કેસ લડતા હતા. આથી ભૂમાફિયા જયેશ પટેલે જ આ હત્યા કરાવી છે. મહત્વનું છે કે વકીલ કીરીટ જોશી ચકચારી 100 કરોડના ઇવાપાર્ક જમીન કૌંભાડનો કેસ લડી રહ્યા હતાં. આ કેસમાં હજુ સુધી કોઇ આરોપીની ધરપકડ થઇ નથી.

29મી એપ્રિલના રોજ સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાં રસ્તા પર છરીના ઉપરા ઉપરી આઠથી દસ ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાઈક લઈને આવેલા બે શખ્સોમાંથી એક શખ્સ છરી લઈને રસ્તાની વચ્ચે જ કિરીટ જોશી પર તૂટી પડ્યો હતો. આ સમયે અનેક લોકો અહીં હાજર હતા પરંતુ કોઈ પણ તેમના બચાવમાં આવ્યા ન હતા.

આ હત્યા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, હત્યારો છરી લઈને કિરીટ જોશી પર તૂટી પડે છે. કિરીટ જોશી ત્યાંથી ભાગવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ ઉપરા ઉપરી છરીના ઘા વાગવાને કારણે તેઓ ત્યાં જ જમીન પર ફસડાઈ પડે છે.

નોંધનીય છે કે કિરોટી જોશી જામનગરના ચકચારી 100 કરોડના જમીન કૌભાંડનો કેસ લડી રહ્યા હતા. આ કૌભાંડમાં 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

(6:20 pm IST)