રાજકોટ
News of Monday, 4th June 2018

મોરબી રોડ પર રૂ. ૩૦ ઉછીના ન દેતાં રાજુ સોલંકીને પાડા અને કૂકડાએ પાઇપ ફટકારી હાથ ભાંગી નાંખ્યો

ગાંધી વસાહતનો દલિત યુવાન કામે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં આંતરી હુમલોઃ એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૪: જુના મોરબી રોડ પર ગાંધી વસાહતમાં ડો. બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં રાજેશ ઉર્ફ રાજુ હરિભાઇ સોલંકી (ઉ.૩૦) નામના વણકર યુવાનને મોરબી રોડ વિસ્તારના પાડો અલ્લારખા અને કૂકડો તથા બીજા બે શખ્સોએ ઉછીના રૂ. ૩૦ માંગતાં આ યુવાને પૈસા નહિ હોવાનું કહેતાં તેને પાઇપથી ફટકારી હાથ ભાંગી નાંખતા અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં પોલીસે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ બારામાં પોલીસે આઇપીસી ૩૨૫, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી ચારેય શખ્સોની શોધખોળ શરૂ કરી છે. રાજેશ ઉર્ફ રાજુએ પોલીસ એફઆઇઆરમાં જણાવ્યું છે કે રવિવારે બપોરે સાડા બારેક વાગ્યે પોતે ઘરેથી ચાલીને કામે જવા નીકળ્યો ત્યારે મોરબી રોડ મેલડી માતાજીના મંદિર પાસે આ વિસ્તારમાં રહેતાં અલ્લારખાભાઇના પુત્ર કે જેને બધા પાડો કહે છે તેણે અટકાવી રૂ. ૩૦ ઉછીના માંગ્યા હતાં. પણ પોતાની પાસે પૈસા ન હોઇ ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાના મિત્રો કૂકડો તથા બીજા બે જણાને બોલાવી ઝઘડો કરી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી પાઇપથી હુમલો કરી હાથે, પગે, મોઢા પર ઇજા કરી હતી.

માણસો ભેગા થઇ જતાં આ ચારેય ભાગી ગયા હતાં. બાદમાં પોતે ઘરે પહોંચ્યો હતો અને રિક્ષામાં માતા કમળાબેન સાથે બેસી દવાખાને ગયો હતો. તબિબે તપાસ કરતાં ડાબા હાથનું કાંડુ ભાંગી ગયાનો રિપોર્ટ આવ્યો હતો. એસીપીની રાહબરી હેઠળ વિશેષ તપાસ થઇ રહી છે.

(4:17 pm IST)