રાજકોટ
News of Monday, 4th June 2018

આજી ડેમે તાવા પ્રસાદમાં ગયા બાદ મિત્રો સાથે ન્હાવા જતાં કોળી યુવાનનું ડુબી જતાં મોત

ચુનારાવાડનો ઉમેશ ચૌહાણ (ઉ.૨૨)ને તરતા નહોતું આવડતું: યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૪: ચુનારાવાડમાં રહેતો કોળી યુવાન આજીડેમ ખાતે મિત્રોએ તાવા પ્રસાદી રાખી હોઇ ત્યાં પ્રસાદ લેવા ગયા બાદ ત્રણ-ચાર મિત્રો સાથે ડેમમાં ન્હાવા જતાં ડૂબી જતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.જાણવા મળ્યા મુજબ ચુનારાવાડ શેરી નં. ૨/૩ના ખુણે રહેતો ઉમેશ બાબુભાઇ ચૌહાણ (કોળી) (ઉ.૧૧) ગઇકાલે બપોર બાદ આજીડેમ મેલડી માતાજીના મંદિર ખાતે મિત્રોએ તાવા પ્રસાદનું આયોજન કર્યુ હોઇ ત્યાં ગયો હતો. એ વખતે બીજા ત્રણ-ચાર મિત્રોને ન્હાવાની ઇચ્છા થતાં તેની સાથે ઉમેશ પણ ન્હાવા પડ્યો હતો. તેને તરતા આવડતું નહોતું. દરમિયાન અચાનક તે ઉંડા પાણીમાં ગરક થઇ ગયો હતો. બીજા મિત્રોએ બચાવવા પ્રયાસ કર્યો હતો. પણ તે શકય બન્યું નહોતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના તરવૈયાઓએ પહોંચી મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરતાં આજીડેમના પીએસઆઇ આર. બી. વાઘેલા અને ટીમે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવાન અપરિણીત હતો અને ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. યુવાન દિકરાના મોતથી કોળી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

(4:17 pm IST)