રાજકોટ
News of Monday, 4th June 2018

રેલનગરમાં જ્યોતીબેન આંબલીયાને આપઘાત માટે મજબુર કરનારા પતિ શૈલેષની ધરપકડ

પ્રજાપતિ પરીણિતાએ પતિ-સાસુ ઘરકામ બાબતે ત્રાસ આપતા ગળાફાંસો ખાઈ લીધો હતો

રાજકોટ, તા. ૪ :. અમરેલીના લીલીયામાં માવતર ધરાવતી અને રાજકોટ રેલનગર દયાનંદ સરસ્વતી ટાઉનશીપમાં ચાર માસ પહેલા જ પરણાવેલી પ્રજાપતિ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પતિ અને સાસુ વિરૂદ્ધ ફરીયાદ નોંધાતા મહિલા પોલીસે તેના પતિની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ અમરેલીના લીલીયા ગામે રહેતા જ્યોતીબેનના ચાર માસ પહેલા રાજકોટ રેલનગર દયાનંદ સરસ્વતી ટાઉનશીપ-ઈ-વીંગ-૬૦૧માં રહેતો શૈલેષ વાલજીભાઈ પાણખાણીયા સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ પતિ શૈલેષ અને સાસુ જમુનાબેન વલ્લભભાઈ પાણખાણીયા ઘરકામ બાબતે મેણાટોણા મારી શારીરીક-માનસિક ત્રાસ આપતા હતા. પતિ અને સાસુના અસહ્ય ત્રાસથી કંટાળી જ્યોતિબેને ગઈકાલે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક જ્યોતીબેન બે ભાઈ અને એક બહેનમાં નાના હતા. તેના એક ભાઈ અમદાવાદ રહે છે અને બીજા ભાઈ સુરત યોગીનગર સોસાયટીમાં રહેતા જીજ્ઞેશભાઈ વલ્લભભાઈ આંબલીયા (ઉ.વ.૩૧) એ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ એમ.કે. દેસાઈએ પતિ શૈલેષ અને સાસુ જમુનાબેન વિરૂદ્ધ આપઘાત માટે મજબુર કરવા માટેની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી શૈલેષ વાલજીભાઈ પાણખાણીયા (ઉ.વ.૩૨, રહે. ઈ-૬૦૧, મહર્ષી દયાનંદ ટાઉનશીપ રેલનગર)ની ધરપકડ કરી હતી.

(4:17 pm IST)