રાજકોટ
News of Monday, 4th June 2018

ભગવાન અને સંતની સ્મૃતિ રાખવાથી જીવનમાં હંમેશા સુખ - શાંતિ રહેશે

પૂ. મહંતસ્વામીએ ૧૪ દિ'ના રોકાણમાં આપ્યો દિવ્ય લાભ : લીંબડી રવાના : ૫૫ તબીબોના સહયોગથી ૧૨૦૦ દર્દીઓએ નિદાનનો લાભ લીધો : રકતદાન કેમ્પમાં ૪૩૫ બોટલ રકત એકત્ર

રાજકોટ : અહિંના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પૂ. મહંતસ્વામી મહારાજે  છેલ્લા ૧૪  દિવસ અદ્દભુત અને દિવ્ય સત્સંગલાભ આપ્યો હતો.

પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં શનિવારે સાર દિન અને રવિવારે અંતિમ દિવસે સ્મૃતિ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજય આત્મસ્વરૂપ સ્વામીએ પ્રગટ સત્પુરૂષ પૂજય મહંતસ્વામી મહારાજના દેશ-વિદેશના વિચરણના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા અને યોગીજી મહારાજના દિવ્ય પ્રસંગોનું વર્ણન કર્યું હતું.  પ્રગટ સત્પુરૂષ પૂજય મહંતસ્વામી મહારાજ સાથેના યોગીજી મહારાજના પ્રસંગો રજૂ કર્યા હતા.

પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે, 'સત્સંગમાં કયારેય માન ન રાખવું. અજ્ઞાન એ જ માનનું મૂળ છે. સત્સંગ કર્યા વિના માન ટળવું અશકય છે. ભગવાનનો ખપ હોય અને સાચા સંત મોક્ષનું દ્વાર જાણે ને દાસભાવે ભકિત કરે તેને માન આવતું નથી. સત્સંગમાં દાસ ભાવ આવે તો સહેજે દ્રઢ સેવા થાય. બધા દિવસનો સાર એ છે કે માન ત્યજી ભકિત કરવી.અમારી સ્મૃતિ રાખશો તો અમે હંમેશા તમારી સાથે જ છીએ.'

આ સમગ્ર વિચરણની સ્મૃતિરૂપે આજે સ્મૃતિદિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં પૂ. સ્વામીએ જણાવ્યું હતું કે, અમારે આવવાનું કે જવાનું છે જ નહીં, જયારે જયારે તમે અમારી સ્મૃતિ કરશો ત્યારે અમે તમારી સાથે જ છીએ. જો આ સમજણ હશે તો અંતરમાં શાંતિ અને સુખ વર્તશે. આજની પૂજાના અંતિમ ચરણમાં બીએપીએસ રાજકોટ મંદિરના સંતોએ પૂ. સ્વામીશ્રીને કલાત્મક વિદાય હાર પહેરાવી ગુરુ ભકિત અદા કરી હતી.

પૂ. મહંતસ્વામી મહારાજના રાજકોટ ખાતેના રોકાણ દરમિયાન મંદિરના પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પનું આયોજન પ્રતિષ્ઠિત ૫૫ જેટલા ડોકટરોના સહયોગથી યોજાયેલ. જેમાં ૧૨૦૦થી અધિક ભાવિક ભકતોએ તબીબી નિદાન, લેબોરેટરી અને સોનોગ્રાફી જેવી અનેક સુવિધાઓનો લાભ મેળવ્યો હતો. જયારે રકતદાન કેમ્પમાં કુલ ૪૩૫ બોટલ સાથે ૧,૬૦,૦૦૦ એમ.એલ. લોહી એકત્ર કરવામાં આવ્યુ. ફિલ્ડ માર્શલ, રેડ ક્રોસ, નાથાણી વોલેન્ટીયરી બ્લડ બેંક, સૌરાષ્ટ્ર વોલેન્ટીયરી બ્લડ બેંક, પીડીયુ સિવિલનો સહયોગ મળ્યો હતો.

આમ, છેલ્લા ૧૪ દિવસથી ૮૫ વર્ષની જૈફ વયે પણ રાજકોટના હરિભકતો પર અનરાધાર વરસી, અદભુત લાભ આપીને પૂ. મહંતસ્વામી આગળના વિચરણમાં લીંબડી તરફ પ્રયાણ કર્યું.

પૂ.સ્વામીશ્રીના આર્શીવચનો

 સંપ, સુહ્યદભાવ અને એકતા રાખવી.

 એકબીજામાં દિવ્યભાવ રાખવો.

 બધામાં દાસભાવ રાખવો.

 અંતરથી એકબીજાનો મહિમા સમજાવો.

 ભગવાન અને સંતની સ્મૃતિ રાખવાથી જીવનમાં હંમેશા સુખ - શાંતિ રહેશે.

 અંતદૃષ્ટિ કરી વાતો જીવમાં ઉતારવી.

 બધુ કરીએ પરંતુ શ્રવણ, મનન ન કરે તો ફળ મળતુ નથી.

 સમજણ શ્રેષ્ઠ છે, સમજણવાળો જયાં હોય ત્યાં ખૂબ સુખી થાય.

(4:12 pm IST)