રાજકોટ
News of Monday, 4th June 2018

કડીયા કામ કરતી વખતે બેભાન થઇ જતાં ૨૦ વર્ષના મોહિલ પટેલનું મોત

જુની કલેકટર કચેરીમાં બનાવઃ એકના એક લાડકવાયાના મોતથી સામા કાંઠાની શકિત સોસાયટીના સોરઠીયા પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૪: સામા કાંઠાના પેડક રોડ પર ન્યુ શકિત સોસાયટીમાં રહેતાં મોહિલ અમૃતભાઇ સોરઠીયા (ઉ.૨૦) નામના લેઉવા પટેલ યુવાનનું જુની કલેકટર કચેરીમાં કડીયા કામ કરતી વખતે બેભાન થઇ જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ મોહિલ સોરઠીયા સવારે સાડા આઠ પોણા નવની વચ્ચે જુની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં ચણતર કામ ચાલતું હોઇ ત્યાં કામ કરવા ગયો હતો. કામ કરતી વખતે અચાનક બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યાનું તબિબે જાહેર કર્યુ હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી. એએસઆઇ સુધાબેન ડી. પાદરીયા અને આનંદભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું ખુલ્યું હતું.

મૃત્યુ પામનાર મોહિલ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેનાથી નાની એક બહેન છે. તેના પિતા ઇમિટેશનનું કામ કરે છે. યુવાન અને એકના એક લાડકવાયાના અચાનક મોતથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. (૧૪.૧૧)

(4:08 pm IST)