રાજકોટ
News of Monday, 4th June 2018

પુરવઠાના દરોડા : કેરોસીન કાળાબજારમાં વેચી મારે એ પહેલા બે દુકાનદારો ઝપટે : કેરોસીન સીઝ : ૯૦ દિ' લાયસન્સ સસ્પેન્ડ

ઇન્સ્પેકટરો પરસાણીયા-રાદડીયાનો સપાટો : એક દુકાનદારે ૮૧ ટકા મેન્યુઅલી માલ વેચ્યાનો ઘટસ્ફોટ..

રાજકોટ, તા. ૪ :. રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે દરોડા પાડી શનિવારે સાંજે બે દુકાનદારોને ઝપટે લઇ, ૩૦ હજારનું ફલ ૧૧૦૦ લીટર બ્લૂ કેરોસીન જપ્ત કરી બંને  દુકાનદારોના લાયસન્સ આજે સવારે ઓન ધ સ્પોટ ૯૦ દિ' માટે સસ્પેન્ડ કરી દેતા સનસનાટી મચી જવા પામી છે.

ચોક્કસ બાતમી અને ડીએસઓ શ્રી જોષીની સૂચના બાદ પુરવઠાના ચીફ સપ્લાય ઈન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા, વિજય રાદડીયા, કિરીટસિંહ ઝાલા વિગેરે ૪-સખીયાનગર એરપોર્ટ રોડ ઉપર આવેલ સસ્તા અનાજના દુકાનદાર લક્ષ્મી કેદાણીને ત્યાં શનિવારે સાંજે ચેકીંગ અર્થે દોડી ગયા હતા અને તપાસ કરતા સ્ટોક રજીસ્ટર બરોબર ન હોય, ૨૪ હજારનું ૯૦૦ લીટર કેરોસીન સીઝ કરી દીધુ હતું. પુરવઠાના સાધનોએ ઉમેર્યુ હતુ કે, કાળાબજારમાં આ કેરોસીન ધકેલાય તે પહેલા સીઝ કરીને આજે આ દુકાનદારનું ૯૦ દિ' માટે લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું છે.

બીજો દરોડો દુકાનદાર ગૌપાલ ચૌહાણને ત્યાં પાડવામાં આવ્યો હતો. શ્રીનગર મેઈન રોડ ઉપર આવેલી તેમની દુકાનમાં તપાસ કરતા ગેરરીતિ જણાતા, ૨૦૦ લીટર કેરોસીન સીઝ કરી ૯૦ દિ' લાયસન્સ સસ્પેન્ડ કરી નખાયુ હતું. આ દુકાનદારે તો ૮૧ ટકા વિતરણ મેન્યુઅલી એટલે કે ઓફલાઈન કર્યાનું પણ ખૂલ્યુ છે.  દરોડાની આ કાર્યવાહી ઈન્સ્પેકટરો પરસાણીયા-રાદડીયા વિગેરેએ નિભાવી હતી અને વધુ તપાસ ચાલુ હોવાનો નિર્દેશ આવ્યો છે.(૨-૨૪)

 

(4:07 pm IST)