રાજકોટ
News of Monday, 4th June 2018

મેયરે બાવડા દેખાડયા, ફિટનેસ ચેલેન્જ સ્વીકારી

રાજકોટ તા.૪ :. ''હમ ફીટ તો ઇન્ડિયા ફીટ'' એ અંતર્ગત કેન્દ્રીય રમતગમત મંત્રી હર્ષવર્ધને અલગ અલગ સેલિબ્રેટીઓને પોત-પોતાની ફિટનેસ સાબિત કરવા માટે ફિટનેસ ચેલેન્જ કરેલ. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફિટનેસ ચેલેન્જ આપેલ અને તે ચેલેન્જનો વડાપ્રધાનશ્રીએ સ્વીકાર કરેલ છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ પોતાની ફીટનેસ પ્રદર્શિત કરતો વિડીયો વાઇરલ કરેલ.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. જૈમન ઉપાધ્યાયને પણ મળેલ ફિટનેસ ચેલેન્જ તેઓએ સ્વીકારી રોજ સવારે પોતે જે વર્કઆઉટ કરે છે તે વર્કઆઉટનો વિડીયો વાઇરલ કરેલ અને પોતાને મળેલ ચેલેન્જ સ્વીકારી વડોદરાના મેયર ભરતભાઇ ડાંગરને ફિટનેસ ચેલેન્જ મોકલેલ.

આ ફિટનેસ ચેલેન્જ એકબીજાને મોકલવાનો ખૂબ સારો આશય છે. સ્વાભાવિક છે કે, વ્યકિત પોતે જ રોજ યોગ, વર્કઆઉટ, કસરત કરે તો તે વ્યકિત તંદુરસ્ત રહે અને સાથે સાથે બીજાને પણ તંદુરસ્તી માટે પ્રોત્સાહીત કરે જેથી કરીને સમગ્ર દેશ યોગ, વર્કઆઉટ, કસરત વગેરેથી તંદુરસ્ત રહે તે માટે દરેક વ્યકિતએ પ્રયત્ન કરવા જોઈએ એમ અંતમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ જણાવેલ.(૨-૨૭)

(3:45 pm IST)