રાજકોટ
News of Monday, 4th June 2018

ડો. વિપુલે જીવ દીધો કે લઇ લેવાયો?: મોટા ભાઇને શંકા

મુળ ટંકારાના રોહીશાળાના દલિત યુવાને સાથે જ કામ કરતી પોતાની જ જ્ઞાતિની રાજકોટની નર્સ પુજા સાથે છ માસ પહેલા જ લવમેરેજ કર્યા'તાઃ આપઘાત કરનાર તબિબીના મોટા ભાઇ દિલીપભાઇ પારીયાએ કહ્યું-શનિવારે પૂજાને મોડી રાત્રે તેના માવતર તેડી ગયા તેની અમને જાણ પણ નહોતી કરાઇઃ ડો. વિપુલે ટોર્ચરીંગને કારણે જીવ દીધો કે જીવ લઇ લેવાયો?: મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવી ઉંડી તપાસ કરવી જરૂરી : મારા ભાઇને તેની પત્નિ પૂજા, સાસુ કાંતાબેન સહિતનો ખુબ ત્રાસ હતોઃ તેને ઘરજમાઇ રાખવા ઇચ્છતા'તાઃ ૨૩ હજાર પગાર હતો છતાં ભાઇ દેણામાં હતોઃ સાસરિયાવાળા પૈસા લઇ લેતાં હોવાનો પણ દિલીપભાઇનો આક્ષેપઃ એક મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે પૂજાએ પતિના મેસેજના જવાબમાં લખ્યું-'ભાઇ' હું તમને ઓળખતી નથી!!: મોત પૂર્વે દિવાલ પર લખ્યું-પૂજા તું બહુ ખોટુ બોલશ, મેં તારી જોડે મેરેજ કરીને ભુલ કરીઃ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

જેને ભરપુર પ્રેમ કર્યો એ પત્નિ જ મોતનું કારણ બની!?...તસ્વીરમાં ડો. વિપુલ પારીયાનો લટકતો નિષ્પ્રાણ દેહ, તેણે દિવાલ પર પત્નિને ઉદ્દેશીને લખેલું લખાણ, તેની નીચેની તસ્વીરમાં ભાઇ ડો. વિપુલના મોતને શંકાસ્પદ ગણાવી ચોંકાવનારા આક્ષેપો કરતાં મોટા ભાઇ દિલીપભાઇ પારીયા (ટી-શર્ટવાળા) તથા અન્ય સ્વજનો અને બાકીની તસ્વીરો ડો. વિપુલ અને પત્નિ પૂજા વચ્ચે કેટલો પ્રેમ હતો તેની જાણે ગવાહી આપી રહી છે. ખુશખુશાલ જણાતું આ દંપતિ હવે પતિના મોત સાથે ખંડિત થઇ ગયું છે. પતિએ મૃત્યુ પહેલા કરેલુ લખાણ જોતાં તેના મોત માટે પત્નિ જ નિમીત બની હોય તેવા આક્ષેપો મૃતક ડોકટરના સ્વજનો દ્વારા થઇ રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: બિગ બાઝાર સામે કરણ પાર્ક નજીક ભીમરાવ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતાં અને બી. ટી. સવાણી હોસ્પિટલમાં ફરજ બજાવતાં મુળ ટંકારાના રોહીશાળાના વતની ડો. વિપુલ મોહનભાઇ પારીયા (ઉ.૨૫) નામના દલિત યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવથી પરિવારમાં અને તેના મિત્ર વર્તુળમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મોત પૂર્વે ડોકટરે દિવાલ પર 'પૂજા તું બહુ ખોટુ બોલશ, મેં તારી જોડ લગ્ન કરીને ભુલ કરી' તેવું લખાણ લખ્યું હોઇ પત્નિ સાથેના કલેશને કારણે આ પગલું ભર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ હતું. પરંતુ મૃતકના મોટાભાઇ દિલીપભાઇ સહિતે મૃત્યુ અંગે શંકા દર્શાવતા લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. દિલીપભાઇએ મૃતક ભાઇના પત્નિ પૂજા, તેના સાસુ કાંતાબેન રમેશભાઇ ચાવડા સહિતના વિરૂધ્ધ ચોંકાવનારા આક્ષેપો કરી આ બનાવ આપઘાતનો જ છે કે પછી અન્ય કંઇ બન્યું? તે અંગે પણ શંકા દર્શાવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ડો. વિપુલ પારીયાએ છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધાની જાણ ૧૦૮ના ઇએમટી ક્રિષ્નાબેન મારફત થતાં માલવીયાનગરના એએસઆઇ યુ. બી. પવાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં ઘરની દિવાલ પર પત્નિ સાથે લગ્ન થયા તે પોતાની ભુલ હોવા અંગેનું લખાણ જોવા મળ્યું હતું. બનાવની જાણ થતાં નજીકમાં જ રહેતાં ડો. વિપુલના મોટા ભાઇ દિલીપભાઇ પારીયા સહિતના સ્વજનો દોડી આવ્યા હતાં.

પોલીસે તપાસ કરતાં એવી માહિતી મળી હતી કે ડો. વિપુલ અગાઉ દોશી હોસ્પિટલમાં હતાં ત્યારે સાથે જ કામ કરતી નર્સ પૂજા રમેશભાઇ ચાવડા સાથે ઓળખાણ બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. બંને એક જ જ્ઞાતિના હોઇ પરિવારજનો પણ લગ્ન માટે સંમત થતાં ધામેધુમેથી લગ્ન કરાયા હતાં. તા. ૨૮/૧૧/૧૭ના રોજ રંગેચંગે લગ્ન થયા હતાં.

લગ્ન બાદ પતિ-પત્નિ ભીમરાવ સોસાયટીમાં ભાડેથી રહેતાં હતાં. પતિ-પત્નિ વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતાં શનિવારે રાતે પત્નિ પૂજાને માવતર તેડી ગયા બાદ ગઇકાલે ડો. વિપુલે ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં પૂજાએ હોસ્પિટલમાં સાથે જ કામ કરતાં પતિના મિત્ર રાકેશભાઇને જાણ કરતાં રાકેશભાઇએ પણ ફોન કર્યા હતાં. પણ ફોન રિસીવ ન થતાં તે ઘરે તપાસ કરવા આવતાં ડો. વિપુલની લાશ લટકતી જોવા મળી હતી. બનાવ આપઘાતનો જ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

જો કે મૃતક તબિબના ભાઇ દિલીપભાઇએ એવી શંકા દર્શાવી હતી કે કોઇ આપઘાત કરે તો દરવાજો બંધ કરે, આ કેસમાં દરવાજો ખુલ્લો હતો. પૂજા અને તેના માતા કાંતાબેનનો લગ્ન થયા ત્યારથી જ મારા ભાઇને ત્રાસ હતો. કાંતાબેન મારા ભાઇને ઘરજમાઇ રાખવા ઇચ્છતા હતાં. મારો ભાઇ ૨૩ હજારનો પગાર મેળવતો હતો, પણ મોટા ભાગની રકમ સાસરિયા પક્ષમાં જતી રહેતી હતી આ કારણે તે દેણામાં આવી ગયો હતો. પૂજાને તેના માવતર શનિવારે મોડી રાત્રે બારેક વાગ્યા આસપાસ લઇ ગયા તેની જાણ પણ અમને કરવામાં આવી નહોતી. મારા ભાઇએ જાતે જ આપઘાત કર્યો કે પછી તેની સાથે ટોર્ચરીંગ કરી મરવા મજબૂર કરવામાં આવ્યો કે પછી બીજુ જ કંઇ બન્યું? આ તમામ મુદ્દાએ તપાસની અમારી માંગણી છે.

દિલીપભાઇએ વધુમાં કહ્યું હતું કે મારો ભાઇ ખુબ સાદુ સરળ જીવન જીવતો હતો. તેનું મોત ખરેખર કઇ રીતે થયું? તે જાણવા અમે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરી છે. પૂજાના માવતર ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ રહે છે. એક મહિના પહેલા પણ પૂજા આ રીતે મોડી રાત્રે માવતરે જતી રહી હતી. ત્યારે મારા ભાઇ ડો. વિપુલે તેને મેસેજ કરતાં તેણીએ 'ભાઇ તમે કોણ? હું તમને ઓળખતી નથી!!' એવો જવાબ આપ્યો હતો. આ મેસેજના પુરાવા પણ અમારી પાસે છે. ત્યારે પૂજાએ એવું પણ કહ્યું હતું કે તારા ઘરના લોકો સાથે સંબંધ તોડી નાંખ તો જ પાછી આવીશ. પોસ્ટ મોર્ટમ બાદ અમે જવાબદાર તમામ સામે ફરિયાદ નોંધાવશું. તેમ વધુમાં દિલીપભાઇએ જણાવ્યું હતું.

ડો. વિપુલ ત્રણ ભાઇ, બે બહેનમાં સોૈથી નાનાઃ એક ભાઇ પોલીસમાં

આપઘાત કરનાર ડો. વિપુલના અન્ય ભાઇઓના નામ દિલીપભાઇ અને રજનીશભાઇ છે. બહેનોના નામ રેખાબેન અને લત્તાબેન છે. પોતે સોૈથી નાના હતાં. માતા જશુબેન અને પિતા મોહનભાઇ રોહીશાળા રહે છે. પિતા ખેતી કરે છે.

ગઇકાલે સવારે જ ડોકટરે માતા સાથે હસી-ખુશીની વાત કરી'તી

ડો. વિપુલે ગઇકાલે સવારે જ રોહીશાળા ગામે રહેતાં માતા જશુબેનને ફોન જોડી તેની સાથે હસી-ખુશીની વાત કરી હતી. કોઇને કયાં ખબર હતી કે સાંજે ડો. વિપુલની લાશ જોવા મળશે?!

(11:47 am IST)