રાજકોટ
News of Saturday, 13th January 2018

વિજળીક હડતાલ

રાજકોટમાં સીટી બસ ડ્રાઇવરોએ ૧II કલાક સુધી બ્રેક લગાવીઃ મુસાફરો હેરાન

સીટી બસનાં કોન્ટ્રાકટર એજન્સીએ શિક્ષાત્મક પગલા રૂપે ડ્રાઇવરોનો પગાર કાપી લેતા કચવાટઃ મ્યુ.કોર્પોરેશને એજન્સીને નોટીસઃ ૭૬ હજારનો દંડ

રાજકોટ તા.૧૩: આજે સવારે રૈયા ડેપોનાં ૪૦ થી ૪૫ સીટી બસનાં ડ્રાઇવરોે વિજળીક હડતાલ પર ઉતરી જતા હજારો મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. તંત્ર વાહકોની દરમિયાનગીરીથી બસ  શરૂ કરાઇ હતી. કોર્પોરેશન દ્વારા એજન્સીને નોટીસ આપી ૭૬ હજારની પેનલ્ટી ફટકારવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ સીટી બસનાં કોન્ટ્રાકટર એજન્સી  દ્વારા ડ્રાઇવરનાં પગાર કાપી લેવા સહિતનાં  વિવિધ પ્રશ્ને રૈયા ચોકડી ડેપોનાં ડ્રાઇવરોએ સવારે ૬:૧૫ કલાકે બસ ન ઉપાડી વિજળીક હડતાલ  ઉપર ઉતરી ગયા હતા.

આ ઘટનાની જાણ કોર્પોરેશનનાં અધિકારીઓને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ડ્રાઇવરો સાથે વાતચીત કરી હતી. બાદમાં સવારે ૭:૩૦ વાગ્યે  સીટી બસ સેવા શરૂ કરવામાં  આવી હતી. જો કે કોઇપણ પ્રકારની નોટીસ વિના હડતાલ પાડવા બદલ એજન્સીને નોટીસ આપી છે અને ૭૬ હજારની પેનલ્ટી ફટકારવામાં આવી હોવાનું આર.એમ.ટી.એસનાં આસી.મેનેજર મનીષ વોરાએ જણાવ્યુ હતુ.(૨૧.૨૪)

(4:14 pm IST)