રાજકોટ
News of Saturday, 20th November 2021

રાજકોટની સ્વચ્છતામાં કોઇ સુધારો નહી : દેશમાં ૧૧મો ક્રમ યથાવત

સફાઇ માટે રાજકોટિયનોના અભૂતપૂર્વ સહયોગથી 'જનભાગીદારી એવોર્ડ' મળ્યો

રાજકોટને સ્વચ્છતા સંરક્ષણમાં જનભાગીદાર માટે પ્રથમ રેન્કનું સર્ટી તેમજ એવોર્ડ મળ્યો તેની તસ્વીર.

રાજકોટ તા. ૨૦ : આજે દિલ્હી ખાતે દેશભરમાંથી સ્વચ્છતા સર્વેક્ષણ માટે પસંદ થયેલા શહેરોને સ્વચ્છતા માટેના એવોર્ડનું દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીના હસ્તે વિતરણ થયું હતું. જેમાં 'સ્વચ્છ શહેર'ની કેટેગરીમાં રાજકોટનું સ્થાન ૧૧મું યથાવત રહેતા શહેરની સ્વચ્છતામાં કોઇ ફેર નહી પડયાનું ફલીત થતાં તંત્રએ 'સ્વચ્છ શહેર'માં અગ્રતાક્રમ માટે હજુ મહેનત કરવી પડે તેમ હોવાનું ખુલ્યું છે. અને આ બાબતનો મેયર પ્રદિપ ડવે ખેલદિલીપૂર્વક સ્વીકાર કરી આવતા દિવસોમાં આ ક્ષેત્રમાં ખામીઓ દુર કરી અગ્રતા ક્રમ માટે પ્રયત્નો કરવાની ખાત્રી આપી હતી.

જો કે રાજકોટિયનો એટલે કે શહેરના નાગરિકોના અભૂતપૂર્વ સહયોગને કારણે રાજકોટ મ.ન.પા.ને 'સફાઇમાં જનભાગીદારી'નો એવોર્ડ અને પ્રથમ રેન્કનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે તે નાગરિકો માટે ગૌરવ લેવા જેવા બાબત છે.

જો કે નાગરિકોના અભૂતપૂર્વ સહયોગ છતાં તંત્ર સ્વચ્છતામાં અગ્રતાક્રમ લાવી શકયુ નહી તે બાબત પણ અહીં નોંધપાત્ર છે.

આ અંગેની સતાવાર વિગતો મુજબ આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-ર૦ંર૧ સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ અને ગાર્બેજ ફી સીટીની સ્પર્ધા યોજવામાં આવેલ હતી. ભારત સરકાર દ્વારા નિયુકત કરેલ એજન્સીઓ દ્વારા ભારતના તમામ શહેરોના સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. જે અન્વયે આજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રીની ઉપીસ્થતિમાં 'સ્વચ્છ અમૃત મહોત્સવ' એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં સ્વચ્છ સર્વેક્ષણ-ર૦ર૧ સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ અને ગાર્બેજ ફી સીટીના પરીણામ ઘોષીત કરવામાં આવશે તેમજ પસંદગી પામેલ શહેરોને માન. રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલ. ભારત સરકાર દ્વારા હાથ ધરેલ સર્વેમાં ગુજરાત રાજયમાંથી કુલ ચાર શહેરો અને ૧ કન્ટોન્મેન્ટ બોર્ડની પસંદગી કરવામાં  આવી છે. જેમાં સુરત અને અમદાવાદ મ.ન.પા.ના પ્રતિનિધીઓને રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એવોર્ડ વિતરણ થયેલ.

આ ઉપરાંત ગાંધીનગર અને રાજકોટ  મ.ન.પા.ના પ્રતિનિધિઓને પણ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ઇનામ વિતરણ થયુ હતું.

આ સમારોહમાં મ્યુ. કમિશ્નર અમીત અરોરા, ડે. કમિશ્નર શ્રી સિંઘ અને પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર ઉપરાંત શાશકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ સેનીટેશન સમીતી ચેરમેન અશ્વિન પાંભર વગેરેએ હાજર રહી એવોર્ડ તથા સર્ટીફીકેટ સ્વીકાર્યા હતા.

(3:36 pm IST)