રાજકોટ
News of Saturday, 20th November 2021

કામદારોના ગ્રેચ્યુઈટી ઉપર વ્યાજ મેળવવાનો કાયદા મુજબનો હક્ક નકારી શકાય નહિઃ ચુકાદો

રાજકોટ, તા. ૨૦ :. વહીવટી કારણોસર થતા વિલંબના લીધે કામદારોના ગ્રેચ્યુઈટી પર વ્યાજ મેળવવાના કાયદા મુજબનો હક્ક નકારી શકાય નહી તેવો મહત્વનો ચુકાદો આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે (૧) મુસાભાઈ જે. જોબણ (૨) દેવેન્દ્રસિંહ પી. જાડેજા (૩) ભીખાલાલ જે. સિયાળ અને (૪) ખીમજીભાઈ એમ. જાદવ ગુજરાત સરકારના, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં જુદી જુદી કચેરીઓમાં જુદા જુદા હોદ્દા પર કુલ ૩૩ થી ૩૮ વર્ષની ફરજ બજાવી રોજ વયમર્યાદાના કારણોસર જુદી જુદી કચેરીઓમાંથી નિવૃત થયેલ હતા. અરજદારોને ગુ.પા.પૂ. અને ગ.વ્ય. બોર્ડ દ્વારા ગ્રેચ્યુઈટી ચુકવણી કરવામાં આવેલ. પરંતુ આ ગ્રેચ્યુઈટીની રકમ ઘણા જ વિલંબથી ચૂકવવામાં આવેલ અને વિલંબીત સમય માટે કોઈ વ્યાજની ચુકવણી કરેલ નહી જેથી સામાવાળા તરફથી ગ્રેચ્યુઈટીની વિલંબીત ચુકવણી પર કાયદા મુજબ વ્યાજની રકમ મેળવવા માંગણી કરવા છતાં વ્યાજની રકમ ન ચુકવતા કંટ્રોલીંગ ઓથોરીટી 'અન્ડર ધ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એકટ-૧૯૭૨' રાજકોટ સમક્ષ ગ્રેચ્યુઈટીની વિલંબીત ચૂકવાયેલ રકમો પર વિલંબીત ચૂકવણી માટે વ્યાજની માંગણી કરેલ હતી.

આ કામમાં એ.કે. સિહોરા નિયંત્રણ અધિકારીશ્રી ગ્રેચ્યુઈટી ચુકવણી અધિનિયમ ૧૯૭૨ રાજકોટએ ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈ ચારેય અરજદારોને ગ્રેચ્યુઈટીની જે - જે રકમો જેટલા સમય માટે મોડી ચૂકવાયેલ છે. તે રકમો પર વિલંબીત સમય માટે ૧૦ ટકા સાદા વ્યાજની રકમ હુકમની તારીખથી દિન-૩૦માં ચૂકવી આપવા સામાવાળા પાણી પુરવઠા બોર્ડને હુકમ કરેલ હતો. આ ચુકાદાઓના કારણે ચારેય કર્મચારીઓને કુલ રૂ. ૪,૫૦,૭૫૭-૦૦ વ્યાજના ચૂકવવા પડશે.

(2:29 pm IST)