રાજકોટ
News of Friday, 20th November 2020

૮, ૫, ૩ અને ૧ાા વર્ષના ચાર ભાંડરડાને માલવીયાનગર પોલીસની ટીમે આપી હુંફઃ બાલાશ્રમમાં પહોંચાડ્યા

પિતા ઘરે આવતા નહોતાં, માતાનું મૃત્યુ થયું છે...ભગવતીપરામાંથી મવડી ઓવરબ્રિજ નીચે અઠવાડીયાથી રહેવા મજબૂર થયા'તા : ચાઇલ્ડ વેલફેર ઓફિસરની મદદથી બાળકોની પૃછા કર્યા બાદ પોલીસ મથકે લાવી નવડાવી, નવા કપડા અપાવી ભરપેટ જમાડ્યાઃ પોલીસ સમયાંતરે આ બાળકોની મુલાકાત લઇ ખબર પુછતી રહેશે

રાજકોટ તા. ૨૦: મવડી ઓવર બ્રિજ નીચે છેલ્લા એકાદ અઠવાડીયાથી ચાર નાના નાના બાળકો એકલા રહેતાં હોવાની જાણ જાગૃત નાગરિકે ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮માં કરતાં તેમના પ્રતિનિધી નિદરભાઇ ભટ્ટે માલવીયાનગર પોલીસને જાણ કરતાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા સહિતે ત્યાં પહોંચી ચાઇલ્ડ વેલફેર ઓફિસર કાજલબેન માઢક દ્વારા આ બાળકો પાસેથી તેમને ફોસલવાની હુંફ આપીને માહિતી મેળવવામાં આવતાં કરૂણ કહાની બહાર આવી હતી.

બાળકોમાં સોૈથી મોટી બહેને પોતાનું નામ તેજલ રામુભાઇ વાણીયા (દેવીપૂજક) (ઉ.વ.૮) કહ્યુ઼ હતું. તેમજ સાથેના ત્રણ બાળકો તેના ભાઇ-બહેન અજય (ઉ.વ.૫ાા), પાયલ (ઉ.વ.૩) અને વિજય (ઉ.વ.૧ાા) હોવાનું કહ્યું હતું. વધુ તપાસ થતાં જાણવા મળ્યું હતું કે અગાઉ આ બાળકો ભગવતીપરા પુલ નીચે માતા ઉષાબેન સાથે રહેતાં હતાં. પિતા વર્ષોથી તેને છોડીને જતાં રહ્યા છે. માતા આ ચારેયનું ભરણપોષણ કરતી હતી. પણ તેણીનું ચાર મહિના પહેલા અવસાન થતાં આ ચારેય માસુમ નોધારા થઇ ગયા હતાં અને અઠવાડીયા પહેલા રખડતા ભટકતા મવડી ઓવર બ્રિજ નીચે આવીને રહેવા માંડ્યાનું બહાર આવ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીણી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમે બાળકોના જીવનનું ઉત્થાન થાય અને તેઓ ભિક્ષાવૃતિ છોડી દે તે માટે કાર્યવાહી કરવા સુચન કરતાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા સહિતની ટીમ બાળકોને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. ત્યાં બધાને નવડાવવાની, નવા કપડાની વ્યવસ્થા કરાઇ હતી. એ પછી ભરપેટ ભોજન કરાવ્યું હતું અને ભવિષ્યની ચિંતાને ધ્યાને રાખી બાલાશ્રમમાં મુકવાની કાર્યવાહી કરી હતી. આ બાળકોનું બરાબર પાલન પોષણ થાય એ માટે થઇને પોલીસ સમયાંતરે તેની ખબર પુછતી રહેશે અને જરૂરી તમામ મદદ કરશે. તેવો નિર્ણય પીઆઇ ભુકણ અને ટીમે લીધો હતો.

(3:46 pm IST)