રાજકોટ
News of Friday, 20th November 2020

કોરોના સામે લડાઇ શરૂ : ૧૦૪ સેવા રથનો પ્રારંભ : કાલથી ૭ સ્થળે ટેસ્ટીંગ બુથ

ત્રીકોણબાગ, કિશાનપરા ચોક, કે.કે.વી. હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી, કોર્પોરેશન, પેડક રોડ બાલક હનુમાન મંદિર સહિતનાં સ્થળે સવારે ૯ થી સાંજે પ સુધી કોરોના ટેસ્ટીંગ થશે

રાજકોટ, તા. ર૦ : માર્ચ – ૨૦૨૦થી શરૂ થયેલી કોરોનાની પરિસ્થિતિથી સૌ વાકેફ છે. આ મહામારીમાં લોકો જેટલી વધુ સલામતી રાખશે તેટલો કોરોના વાઇરસનો પ્રસાર અટકશે. જોકે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરીજનોને વર્તમાન મહામારીમાં આસાનીથી ઘર આંગણે જ તબીબી સારવાર, ટેસ્ટીંગ અને માર્ગદર્શન સહીતની સેવાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરેલી છે. લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. સાવચેતી રાખવી એજ કોરોના સામે રક્ષણ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. લોકોને સમાન્ય લક્ષણો જેવા કે શરદી, ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તુર્ત જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાયેલ સેવાઓનો સંપર્ક કરી પોતાનું અને પોતાના પરિવારજનોનું રક્ષણ કરે, તેવા આશય સાથે આવતી કાલથી શહેરના ૦૭ સ્થળો પર ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવશે. જયા લોકોને વિનામુલ્યે એન્ટીજન ટેસ્ટ કરી આપવામાં આવશે. આ ઉપરાંત ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા રથ, કોવીડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ, ડોર-ટુ-ડોર સર્વેલન્સ જેવી સેવાઓ કાર્યરત છે. બિનજરૂરી શહેરમાં અવરજવર કરવાનું ખાસ ટાળવું અને અત્યંત જરૂરી હોય તોજ ઘરની બહાર જવું તેમજ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.

આવતીકાલથી શહેરના ૦૭ સ્થળોએ ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવનાર છે જેમાં (૧) કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન ઓફીસ, (૨) ત્રિકોણબાગ, (૩) કિશાનપરા ચોક, (૪) પેડક રોડ – બાલક હનુમાનની જગ્યા પાસે, (૫) રૈયા ચોકડી, (૬) કે.કે.વી. હોલ અને (૭) બાલાજી હોલ પાસે – ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે શરૂ કરવામાં આવશે. જયાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા સવારે ૯ વાગ્યા થી સાંજના પ વાગ્યા સુધી ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ બુથ ખાતે લોકોને વિનામુલ્યે કોરોના અંગેનો એન્ટીજન ટેસ્ટ તેમજ તેમના શરીરનું ટેમ્પરેચર અને ઓકિસજન લેવલ ચેકઅપ કરી આપવામાં આવશે. લોકો પોતાની સલામતી અને સ્વાસ્થ્ય માટે એન્ટીજન ટેસ્ટ કરાવે અને વહેલી સારવાર મેળવે તે માટે મહાનગરપાલિકાએ આ વ્યવસ્થા કરી છે.

લોકોની અવર જવર થતી હોય અને લોકોને ટેસ્ટીંગ માટે સરળતાથી સ્થળ મળી શકે તેવા આશયથી ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. વધુને વધુ લોકો પોતાનું ટેસ્ટીંગ કરાવે અને કોરોનાનું નિદાન કરાવી પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ કરે. કોરોનાની ચેઈન તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દિવસ-રાત મહેનત કરી રહ્યું છે. આ મહામારી સામે લડવામાં લોકોનો જેટલો વધુ સહયોગ મળશે તેટલા વધુ સારા પરિણામ મળશે. લોકો સમજદારી અને સાવચેતી દાખવી મહાનગરપાલિકાના કાર્યમાં સહયોગ આપે તેમજ નિયમો અને માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરે. 

પ્રાથમિક તબક્કામાં કોરોના સામે સારવાર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિનામુલ્યે ટેસ્ટીંગ કરી નિદાન કરવાનું આયોજન કરેલ છે. હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અગત્યનું છે. સાવચેતી સાથે કામગીરી કરીએ અને મનપા દ્વારા ઉપલબ્ધ કરાયેલ સેવાનો લાભ લઇ રૂટીન કામગીરી કરીએ.

(3:27 pm IST)