રાજકોટ
News of Friday, 20th November 2020

આમ્રપાલી અન્ડરબ્રીજનાં હાલ રેલનગર જેવા ન થાય તે જો જોઃ રાજાણી-જાડેજા

રાજકોટ, તા.૨૦: શહેરનાં રૈયા રોડ પર નિર્માણ થઇ રહેલા આમ્રપાલી ફાટક અન્ડરબ્રીજનાં હાલ રેલનગર અન્ડરબ્રીજ જેવા ન થાય એવા કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી તથા કોંગી આગેવાન રાજદિપસિંહ જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવ્યુ કે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૩માં આવેલા રેલનગર અન્ડરબ્રિજમાં ચોમાસુ પુર્ણ થયાના બે મહિના બાદ પણ હજુ બ્રિજમાં પાણી નીકળવાનુ બંધ થતુ ન હોય હવે આ બ્રિજને 'સ્લીપરી બ્રિજ' જાહેર કરવાની માંગણી સાથે શહેરના રૈયા રોડ પર બનતા આમ્રપાલી બ્રિજમાં આવી સમસ્યા ન સર્જાય તેની તકેદારી લેવા મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલને પત્ર પાઠવી રજુઆત કરી છે.

વધુમાં મ્યુનિસિપલ કમિશ્નરને કરેલી રજુઆતમાં કોર્પોરેટર અતુલ રાજાણી અને કોંગી અગ્રણી ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે ચોમાસુ પૂર્ણ થયાને બે મહિના વિતી ગયા છતા હજુ રેલનગર અન્ડરબ્રિજમાંથી પાણી નીકળે છે. અને દરરોજ સેકડો ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઇ રહ્યા છે. અને અનેક હાડકા ભાંગી રહ્યા છે ત્યારે તંત્ર તાત્કાલીક ધોરણે રેલનગર અન્ડરબ્રિજમાં નીકળતા પાણીની સમસ્યા ઉકેલે તે જરૂરી છે. પાણી કયાંથી નીકળે છે, કઇ રીતે નીકળે છે, આ સમસ્યાનો કાયમી ઇલાજ શુ છે? તે અંગે તંત્ર દ્વારા કયારેય કોઇ વિચારણા પણ કરાતી ન હોય રેલનગર અન્ડરબ્રિજ હવે કાયમી ધોરણે સ્લીપરી બ્રિજ બની ગયો છે.તેમણે ઉમેર્યુ છે કે હાલમાં વોર્ડ નં.૨માં નિર્માણધિન આમ્રપાલી બ્રિજમાં આવી કોઇ જ ક્ષતી રહી ન જાય તેની તકેદારી લેવી પણ જરૂરી છે. આમ્રપાલી બ્રિજમાં આવી ક્ષતી રહી જશે તો વૈશાલીનગર, શ્રેયસ સોસાયટી, આદર્શ સોસાયટી, ધ્રુવનગર, ચુડાસમા પ્લોટ, સૌરભ સોસાયટી, સહિતની આજુબાજુની સોસાયટીના રહીશો તેમજ આમ્રપાલી બ્રિજમાંથી પસાર થતા હજારો વાહન ચાલકોની હાલત માઠી થઇ જશે. અંતમાં અતુલ રાજાણી અને ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે એરપોર્ટ રોડને પણ રેલ્વે ફાટકથી મુકત બનાવી ત્યાં પણ બ્રિજ બનાવવો જોઇએ.

(2:49 pm IST)