રાજકોટ
News of Friday, 20th November 2020

નાકરાવાડીમાં બોલેરોને કારણે ગટરનું પાણી ઉડ્યું: ધ્યાન રાખવાનું કહેતાં મા-દિકરા પર હુમલોઃ બાટલી-પથ્થરના ઘા

ભરત ભરવાડ સહિત પાંચ જણે ધોકાથી જયશ્રીબેન ગઢવી અને પુત્ર ગોૈતમને ઇજા પહોંચાડીઃ ઘરમાં સોડા બોટલો અને પથ્થરના ઘા કર્યાઃ એકટીવામાં પણ તોડફોડ

રાજકોટ તા. ૧૯: કુવાડવા રોડ સાત હનુમાન નજીક નાકરાવાડીમાં રહેતાં જયશ્રીબેન (જશુબેન) જીગરદાન પાલીયા (ગઢવી) (ઉ.વ.૩૫) તથા તેમના પુત્ર ગોૈતમ (ઉ.વ.૧૭) પર ભરત ભરવાડ તથા બીજા ચાર અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરી ગાળો દઇ મારકુટ કરતાં તેમજ ઘરમાં સોડા બોટલોના અને પથ્થરના ઘા કરતાં માતા-પુત્રને ઇજાઓ થતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

કુવાડવાના એએસઆઇ નિરવભાઇએ જયશ્રીબેનના પતિ જીગરદાન કુંભદાન પાલીયાની ફરિયાદ પરથી ભરત સહિત પાંચ સામે ગુનો નોંધ્યો હતો. જીગરદાને ફયિરાદમાં લખાવ્યું છે કે ભરત બોલેરો લઇને નીકળતાં ગટરનું પાણી જીગરદાનના પત્નિ જયશ્રીબેનને ઉડ્યું હતું. આથી ભરતનેધ્યાન રાખીને ચલાવવાનું કહેતાં બીજા શખ્સો સાથે મળી હુમલો કર્યો હતો. જયશ્રીબેનને ધોકાથી માર માર્યો હતો. ઘરમાં પથ્થરમારો, બોટલોના ઘા કરતાં પુત્ર ગોૈતમને ઇજા થઇ હતી. આ ઉપરાંત આ શખ્સોએ એકટીવામાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. તેમ ફરિયાદમાં જણાવાતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:10 pm IST)